Government job scam in Gujarat: ડૉક્ટર કિશોર ગાંધી દ્વારા ફરિયાદ નોંધાઈ, તપાસની માંગ
Government job scam in Gujarat: ગુજરાતમાં ફરી એક વખત ભરતી વ્યવસ્થાની નૈતિકતાને સવાલો હેઠળ મૂકે તેવું નવું કૌભાંડ સામે આવ્યું છે. પાટણ જિલ્લામાં કંડકટર તરીકે ભરતી મેળવવા માટે નકલી ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આપવાની સ્કીમ સામે આવી છે. નોકરીની આશા રાખતી યુવતીઓ અને યુવકો સાથે ઠગાઈની ઘટનાઓ વધી રહી છે, જે સરકારની ભરતી વ્યવસ્થાની સાફસુફાઈ પર પણ ગંભીર શંકા ઊભી કરે છે.
યુવતી પાસેથી 1500 રૂપિયા લઇ નકલી સર્ટિફિકેટ આપ્યું
સરસ્વતી તાલુકાના મોરપા ગામની પિન્કીબેન ઠાકોર નામની યુવતી કંડકટરની નોકરી માટે યોગ્ય સર્ટિફિકેટ મેળવવા પ્રયાસ કરતી હતી. તેઓએ વર્ષ 2023-2024ની રાજ્યસરકારી કંડક્ટરની ભરતીમાં ભાગ લેવા ઇચ્છા દર્શાવી હતી. આવી સ્થિતિમાં, એક યુવકે તેમના સંપર્કમાં આવીને માત્ર ₹1500માં ફર્સ્ટ એડનું પ્રમાણપત્ર આપી દેવાનું વચન આપ્યું. પરંતુ પિન્કીબેનને જે પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું તે ખોટું અને બનાવટી સાબિત થયું.
પાટણ-ડીસા વચ્ચે ફેલાયેલું છે કૌભાંડનું જાળું
ફર્સ્ટ એડના ડુપ્લીકેટ સર્ટિફિકેટનું મૂળ પાટણમાં મળ્યું છે પણ આ કૌભાંડના તાર ડીસા શહેર સુધી પહોંચ્યા હોવાનું ખુલ્યું છે. આ નકલી પ્રમાણપત્રોમાં ડોક્ટર કિશોર ગાંધીનું નામ, સહી અને સિક્કો પણ દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે ડીસામાં વર્ષોથી ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડૉ. કિશોર ગાંધી સાથે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે ખુલાસો કર્યો કે – “આ સર્ટિફિકેટમાં મારી સહી અને સિક્કો ખોટા છે, અને મેં કોઈને એવું પ્રમાણપત્ર આપ્યું નથી.”
પોલીસ ફરિયાદ અને તંત્રને જાણ
ડૉ. કિશોર ગાંધી દ્વારા આ બનાવટી પ્રમાણપત્રો અંગે ત્રણ મહિના પહેલા સ્થાનિક પોલીસ મથકે લેખિત ફરિયાદ પણ નોંધાવાઈ હતી. તેમજ અમદાવાદની તે ઓફિસ, જ્યાં આવા સર્ટિફિકેટ તૈયાર થાય છે, ત્યાં પણ ખોટી પ્રવૃત્તિની જાણ કરવામાં આવી હતી. જોકે તંત્ર તરફથી હજુ સુધી કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી.