Pakistan Earthquake મે મહિનામાં પાકિસ્તાનમાં ભૂકંપની આવૃત્તિ વધતી જાય છે, તીવ્રતા 4.2 નોંધાઈ, હાલ કોઈ જાનહાનિના અહેવાલ નથી
Pakistan Earthquake પાકિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. શુક્રવારે, 30 મેના રોજ બપોરે 1:37 વાગ્યે ધરતી ધ્રુજી હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 નોંધાઈ હતી. રાષ્ટ્રીય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્ર (NSMC) મુજબ, આ આંચકા બાદ લોકો ઘરની બહાર દોડી આવ્યા અને થોડો સમય માટે હડકંપનો માહોલ સર્જાયો હતો. જોકે, હાલ સુધીમાં કોઈ જાનહાની કે નુકસાનીના અહેવાલ સામે આવ્યા નથી.
આ મહિનો પાકિસ્તાન માટે ભૂકંપના આંચકાઓથી ભરેલો રહ્યો છે. મે મહિનાની અંદર આ ચોથો વખત છે જ્યારે ધરતી ધ્રુજી છે. 29 મેના રોજ પણ 4.4 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જયારે 27 મેના રોજ ફૈસલાબાદ વિસ્તારમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 12 મેના રોજ ક્વેટા અને આજુબાજુના વિસ્તારોમાં 4.9 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.
પાકિસ્તાન ભૂસ્તરીય રીતે અત્યંત સક્રિય પ્રદેશમાં આવેલું છે. હિમાલય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટ્સના અથડામણના કારણે અહીં અનેક ભૂસ્તરીય ફોલ્ટ લાઇનો રચાઈ છે જેમ કે બલુચિસ્તાન ફોલ્ટ ઝોન અને કારાકોરમ ફોલ્ટ. આ કારણે પાકિસ્તાનમાં વારંવાર ભૂકંપ આવે છે અને અનેકવાર તીવ્રતા જોરદાર હોવાના કારણે જાનમાલના નુકસાન થવાના બનાવો બન્યા છે. 2005ના ઘાતક ભૂકંપમાં આશરે 80,000 લોકોના મોત થયા હતા.
આ કટોકટીના સમયે પાકિસ્તાનની આપત્તિ વ્યવસ્થાપન પ્રણાલી સામે સવાલ ઊભા થાય છે. ભૌતિક માળખાની નબળાઈ, મર્યાદિત સંસાધનો અને જાગૃતતાનો અભાવ અનેક વખત મુશ્કેલી ઉભી કરે છે. NDMA અને અન્ય એજન્સીઓ આવી આપત્તિઓ સામે તૈયાર રહી અસરકારક કાર્યવાહી માટે સતત પ્રયાસશીલ છે, પરંતુ ધરતીના આવા ધ્રુજારા લોકોને વારંવાર ચિંતિત કરી રહ્યા છે.