ગુજરાતમાં બે વિધાનસભા બેઠકો માટેના મુકાબલાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપ અને કોંગ્રેસે જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક અને મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા બેઠક માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે. આમ આદમી પાર્ટીએ બંને બેઠકો માટે નામો જાહેર કરી દીધા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આપ પાર્ટીએ વિસાવદર બેઠક જીતી હતી, જ્યારે કડી બેઠક ભાજપે કબજે કરી હતી. આવી સ્થિતિમાં, બંને પક્ષો માટે પોતાની જીતેલી બેઠકો જાળવી રાખવાનો પડકાર છે.
રાજ્યમાં મુખ્ય વિપક્ષી પાર્ટી, કોંગ્રેસ પાસે બંને બેઠકો પર સારું પ્રદર્શન કરવાનો પડકાર છે. ભાજપે વિસાવદર બેઠક પરથી કિરીટ પટેલ અને કડી બેઠક પરથી રાજેન્દ્ર ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. ‘ઓપરેશન સિંદૂર’ પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં આગમન પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એ જોવું રસપ્રદ રહેશે કે ભાજપ વિસાવદર બેઠક જીતી શકશે કે નહીં? કારણ કે પાર્ટી 18 વર્ષથી અહીં જીતી નથી.
વિસાવદરમાં સર્વોપરિતા માટેનો જંગ
આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતારીને ચૂંટણી જંગને રસપ્રદ બનાવ્યો છે. વિસાવદર બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠાનો વિષય છે કારણ કે આ બેઠક 18 વર્ષથી વિપક્ષના કબજામાં છે. કેશુભાઈ પટેલનો મતવિસ્તાર રહેલા વિસાવદરમાં ભાજપને કમળ ખીલવવાનો પડકાર છે. ગત ચૂંટણીમાં આ બેઠક પર ભાજપ અને આપ વચ્ચે સીધી ટક્કર હતી. આ વખતે પણ અહીં રસપ્રદ ટક્કર થવાની ધારણા છે.
કડીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ જિલ્લામાં આવતી આ બેઠક અનામત છે. ભાજપના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના અવસાનને કારણે અહીં પેટાચૂંટણી યોજાઈ રહી છે. ગુજરાતના પ્રખ્યાત ગાયિકા કાજલ મહેરિયાએ પણ આ બેઠક પર ટિકિટ માંગી હતી પરંતુ પાર્ટીએ અહીંથી રાજેન્દ્ર ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે કડીના ધારાસભ્ય રહી ચૂકેલા રમેશ ચાવડાને ટિકિટ આપી છે. 2017ની ચૂંટણીમાં તેઓ કરસનભાઈ સોલંકી સામે 7746 મતોથી હારી ગયા હતા. રમેશ ચાવડા 2012 થી 2017 સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ બેઠક પરથી સતત ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ બેઠક 2009માં અનામત કરવમાં આવી હતી.