Pharmacy Admission Guidelines Gujarat: ગુજરાત ફાર્મસી કાઉન્સિલની નવી માર્ગદર્શિકા
Pharmacy Admission Guidelines Gujarat: ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલે ડિપ્લોમા અને ડિગ્રી ફાર્મસી અભ્યાસક્રમમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓ માટે ખાસ માર્ગદર્શિકા બહાર પાડી છે. જેથી કરીને વિદ્યાર્થીઓ છેતરાય નહીં અને તેમના શોષણ થવાનું રોકાય. આ સૂચનાઓ અનુસાર, ફાર્મસીના અભ્યાસમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ ધોરણ ૧૨ સાયન્સ (ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અથવા મેથેમેટિક્સ) પાસ કરેલ હોવું જરૂરી છે.
માત્ર તે વિદ્યાર્થીઓ જ ફાર્મસી કોલેજમાં પ્રવેશ માટે યોગ્ય ગણાશે જેઓ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ ૧૨ પાસ કરેલ હોય. જો કોઈ વિદ્યાર્થી અમાન્ય બોર્ડમાંથી ધોરણ ૧૨ પાસ કરીને ફાર્મસીમાં પ્રવેશ લે છે તો તે પછીના રજિસ્ટ્રેશન માટે રાજ્ય ફાર્મસી કાઉન્સિલ પાસેથી મંજૂરી નહીં મળે.
આ ઉપરાંત, વિદ્યાર્થી જ્યારે પણ ગુજરાત કે અન્ય રાજ્યની ફાર્મસી કોલેજમાં પ્રવેશ લે તે પહેલાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની માન્યતા તપાસવી ખૂબ જરૂરી છે. ફાર્મસી કાઉન્સિલ દ્વારા માન્યતાપાત્ર ન હોય તેવી કોલેજોમાં પ્રવેશ લેવું કે મંજૂર કરતા વધારે સીટ પર પ્રવેશ મેળવવો કાયદા વિરુદ્ધ છે અને આવું કરનારા વિદ્યાર્થીઓને ફાર્મસી કાઉન્સિલના રજિસ્ટ્રેશન માટે યોગ્ય ઠેરવાશે નહીં.
ગુજરાતમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત કોલેજોની સૂચિ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઇટ www.pci.nic.in પર ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને વિનંતી છે કે આ સૂચિને ધ્યાનથી વાંચીને તે પ્રમાણે જ એડમિશન પ્રક્રિયા કરે. …