મોબાઇલની લત લોકોમાં એટલી હદે વધી રહી છે કે, લોકો મોબાઇલ વગર રહી શકતા પણ નથી. આ સ્થિતિને જોતા ચીનના કેટલાક શહેરો પછી હવે ઇંગ્લૅન્ડના માન્ચેસ્ટરમાં પણ મોબાઇલ યુઝર્સ માટે અલગ સડક-લેન બનાવવામાં આવી છે. યુરોપમાં આ પ્રકારની પહેલી સડક બનાવવામાં આવી છે. બેંગકોકના એક વિસ્તારમાં પણ મોબાઇલ લેન બનાવવામાં આવી છે જેના પર તમે મોબાઇલ ફોન પર વાત કરતાં કરતાં ચાલી શકો છો. આ સડકનો ઉપયોગ કરનાર જીમીએ કહ્યું હતું કે, આ એક સારો પ્રયત્ન છે. આ રસ્તા પર અમે સુરક્ષિત રહી શકીએ છીએ.
સિંગાપોરમાં પણ ઠેર ઠેર રસ્તાઓ પર ચાલતી વખતે મોબાઇલ ફોન યુઝ નહીં કરવા બાબતની સૂચનાઓ લખવામાં આવી છે. પીળા રંગના પોસ્ટર્સ પર લખવામાં આવે છે કે, ઉપર જુઓ કારણ કે સામાન્ય રીતે મોબાઇલ યુઝર્સ સ્માર્ટ ફોનમાં નીચે જોઇને ચાલતા હોય છે. સાઉથ કોરિયામાં આ મુશ્કેલીમાંથી બચવા માટે રસ્તાઓ પર લાઇટ્સ લગાડવામાં આવી છે એટલે રોડ ક્રોસ કરતી વખતે લોકો સાવધાન રહી શકે. 1500 લોકો પર એઓ મોબાઇલ દ્વારા એક સરવે કરવામાં આવ્યો હતો જેમાં 96 ટકા લોકોએ કબૂલાત કરી હતી કે, તેમનું ધ્યાન મોબાઇલમાં હોવાથી તેઓ અન્ય લોકો સાથે અથડાઈ જાય છે.