ગુજરાતમાં એક દલિત શિક્ષકે આચાર્ય વિરૂદ્ધ પાણી પીવા જેવી નજીવી બાબત મામલે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે. શિક્ષકે એફઆઈઆર નોંધાવી છે જેમાં કહ્યું છે કે, દલિત જાતિના શિક્ષકો સામે સવર્ણનાં ઘડામાંથી પાણી પીવા માટે નોટિસ મોકલવામાં આવી હતી. અમદાવાદમાં અસ્પૃશ્યતાનાં આ કિસ્સાએ ચર્ચા જગાવી છે. દલિત શિક્ષકે સરકારી શાળાના આચાર્ય પર આરોપ લગાવ્યો છે કે તેમણે ઉચ્ચ જાતિ માટે રાખેલા ઘડામાંથી પાણી પીવા માટે તેમની સામે નોટિસ ફટકારી છે. એટલું જ નહીં પીડિત દ્વારા ફરિયાદ દાખલ કરવાના બે અઠવાડિયા પછી તેની અન્ય શાળામાં બદલી કરાઈ હતી.
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા કન્હૈયાલાલ બરૈયાએ શાળાનાં આચાર્ય મનસંગ રાઠોડ વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે આચાર્યએ સ્કૂલમાં બે ઘડા રાખ્યા હતાં. એક તેઓનાં પોતાનાં માટે કારણકે તેઓ વાલ્મિકી સમાજના છે અને બીજો ઘડો ત્રણ શિક્ષકો માટે કે જેઓ કોળી, પટેલ અને દરબાર સમુદાયમાંથી આવે છે. જ્યારે રાઠોડને ખબર પડી કે તેણે ઉચ્ચ જાતિના શિક્ષકો માટે રાખેલા ઘડામાંથી પાણી પીધું છે તો 3 જુલાઈનાં રોજ બારૈયાને નોટિસ આપી દીધી. નોટિસમાં જણાવ્યું હતું કે ઉચ્ચ જાતિના શિક્ષકોના ઘડામાંથી પાણી ન પીવામાં આવે. ત્યારબાદ 14 ઓગસ્ટે આ કેસમાં બારૈયા દ્વારા એફઆઈઆર નોંધાવવામાં આવી હતી જેનાં બે અઠવાડિયા પછી બારૈયાની બીજી શાળામાં બદલી કરી દેવાઈ હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ મામલે આચાર્ય મનસંગ રાઠોડને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓનાં હિતમાં તેઓ અત્યારે કાંઈ પણ બોલવા તૈયાર નથી.