કેરળના પરંબરા નજીક સ્થિત એક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ કેમ્પસમાં પાકિસ્તાનના રાષ્ટ્રીય ધ્વજથી મળતો ઝંડો લહેરાવતા હોબાળો મચી ગયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ઝંડો ફરકાવવામાં આવ્યો હતો જેના કારણે લગભગ 6 વિદ્યાર્થીઓને કોલેજમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને પોલીસે આ મુદ્દે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી
લીલા રંગના આ ઝંડો કોલેજમાં થઇ રહેલી ચૂંટણી મુદ્દે મુસ્લિમ સ્ટુડેન્ટ ફેટરેશન દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં લહેરાવવામાં આવ્યો હતો.
એમએસએફ, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગની વિદ્યાર્થી શાખા છે. જો કે એમએસએફ દ્વારા આ આરોપને નકારવામાં આવ્યા હતા અને દાવો કરવામાં આવ્યો હતો કે આ સંગઠનનો સત્તાવાર ઝંડો હતો, ન કે પાકિસ્તાનનો રાષ્ટ્રીય ધ્વજ.
પોલીસના જણાવ્યા મુજબ સિલ્વર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં 27 ઓગસ્ટે બનેલી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલો IPC-153, IPC-143 અને IPC-147 સહિત કેટલીક કલમો હેઠળ નોંધવામાં આવ્યો હતો. પોલીસ અધિકારી મુજબ લહેરાવેલા ઝંડામાં એમએસએફનો લોગો ન હતો તેમજ તેનો આકાર પણ ભિન્ન પ્રકારનો હતો. આ મુદ્દે કોલેજના છ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જે હાલમાં ફરાર છે. અધિકારી મુજબ તેમને જલદીથી જ પકડી લેવામાં આવશે.