અમેરિકાના લોસ ઍન્જલસમાં રહેતાં ૫૮ વર્ષનાં ટિઆમૅટ મેડુસાએ અત્યાર સુધીમાં પોતાના શરીર પર ૨૦ પ્રકારની સર્જરીઓ કરાવીને પોતાની સૂરત એવી બદલી નાખી છે કે કદાચ તેમને હવે માણસમાં ગણવા કે કેમ એ સવાલ થાય. ઇન ફૅક્ટ, ટિઆમૅટ પોતાને માણસ ગણાવવા પણ નથી માગતાં. તેમને તો બનવું છે સ્નેક લેડી અથવા તો ડ્રૅગન ક્વીન. તેમના શરીર પર સાપની કાંચળી જેવાં ટૅટુ ચિતરાવેલાં છે. તેમણે કાન કઢાવી નાખ્યાં છે, કપાળ પર શિંગડાં જેવાં ઇમ્પ્લાન્ટ કરાવ્યાં છે અને સરિસૃપ વર્ગનાં પ્રાણીની જેમ જીભને પણ કપાવીને બે ભાગમાં વહેંચી નાખી છે.
આટઆટલું શરીરને મૉડિફાય કરાવ્યા પછી પણ તેમને સંતોષ નથી. જન્મ વખતે તે છોકરો હતી અને તેનું નામ રિચર્ડ હર્નાન્ડેઝ હતું. તેના પેરન્ટ્સે ક્યારેક ખીજાઈને તેને જંગલમાં મૂકી દીધેલો. એ વખતે કેટલાક સાપોની સાથે તે રમતો હતો. એ પછી મોટા ભાગનું જીવન તે ગ્રૅન્ડપેરન્ટ્સ સાથે રહ્યો. ગ્રૅન્ડફાધર તેને બહુ મારતાં, કામ કરાવતાં અને હેરાન કરતાં. આ બધાંને કારણે તે માનસિક રીતે અસ્વસ્થ રહેવા લાગ્યો. ૧૧ વર્ષની વયે તે ગે સંબંધોમાં પળોટાળો. જો કે અંદરથી તેને છોકરી બનવાની ઇચ્છા થતી હતી. યુવાન થયા પછી તો તે બેફામ સંબંધોમાં જોડાયો અને એચઆઇવીના ચેપનો ભોગ બન્યો. તેને લાગ્યું કે હવે તો તે મરી જ જવાનો છે ત્યારે તેને જે ગમે છે એ કરી જ લેવું.
બૅન્કમાં કામ કરીને તેની પાસે થોડીક બચત હતી એનાથી તેણે સેક્સ ચેન્જ કરાવી લીધું અને પોતાના બૉડીમાં મૉડિફિકેશન્સ કરાવવાનું શરૂ કરી દીધું. એટલે સુધી કે નાકનો પણ એક ભાગ કપાવી લીધો છે અને દાંત પણ પડાવી નાખ્યા છે.