UPI Service: ફોનપે લાવ્યું ઈન્ટરનેટ વિના ચાલતું UPI: હવે ફીચર ફોનથી પણ થશે ડિજિટલ ચુકવણી
UPI Service: ભારત જેવી વિશાળ અને વિભિન્ન ટેક્નોલોજી વાપરતી જનસંખ્યા ધરાવતી દેશમાં, હજુ પણ કરોડો લોકો ફીચર ફોનનો ઉપયોગ કરે છે. આવા વપરાશકર્તાઓ માટે ડિજિટલ પેમેન્ટ કરવું મુશ્કેલ બની રહે છે. આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને PhonePe એ Gupshup ની મોબાઇલ UPI સેવા GSPayને હસ્તગત કરી છે. હવે ફીચર ફોન વપરાશકર્તાઓ માટે પણ ઇન્ટરનેટ વિના યુપીઆઇ આધારિત પેમેન્ટ કરવું શક્ય બન્યું છે.
PhonePe હવે ફીચર ફોન વાપરતાં લોકોને 123PAY આધારીત સેવા આપે છે, જે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા વિકસાવવામાં આવી છે. આ સેવા વાપરવાથી વપરાશકર્તાઓ *99# ડાયલ કરીને વિવિધ પેમેન્ટ વિકલ્પો સુધી પહોંચ મેળવી શકે છે. જેમ કે પીઅર-ટુ-પીઅર ટ્રાન્સફર, QR સ્કેન, અને અન્ય સાધનોથી પેમેન્ટ કરવું શક્ય બને છે – તે પણ ઈન્ટરનેટ વગર.
GSPay શું છે?
GSPay એ Gupshup દ્વારા વિકસિત એક મોબાઇલ એપ્લિકેશન છે જે SMS આધારિત યુપીઆઈ પેમેન્ટ સપોર્ટ કરે છે. તે ખાસ કરીને 123PAY પ્લેટફોર્મ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. PhonePe દ્વારા આ ટેકનોલોજી ખરીદીને, કંપનીએ ફીચર ફોન વપરાશકર્તાઓને નવી ડિજિટલ પેમેન્ટ સેવા ઉપલબ્ધ કરાવવાનું મોટું પગલું ભર્યું છે.
PhonePe આગામી ત્રણ મહિનામાં ફીચર ફોન માટે ખાસ UPI મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચ કરવાની યોજના ધરાવે છે, જે SMS આધારિત ટ્રાન્ઝેક્શનને વધુ સરળ અને સુરક્ષિત બનાવશે.
UPI 123PAY માટે UPI ID કેવી રીતે બનાવવી?
ફીચર ફોન વપરાશકર્તાઓ માટે UPI ID બનાવવી બહુ સરળ છે. *99# ડાયલ કર્યા પછી સ્ક્રીન પર આવતા સૂચન અનુસાર, વપરાશકર્તાએ પોતાની બેંક પસંદ કરી, ડેબિટ કાર્ડના છેલ્લાં 6 અંક નાખવા પડે છે અને ત્યારબાદ પિન સેટ કરવી પડે છે. એકવાર પિન સેટ થયા પછી, તેઓ સરળતાથી ઑફલાઇન પેમેન્ટ કરી શકે છે.
આ નવી સેવા સાથે, દેશના કરોડો ફીચર ફોન વપરાશકર્તાઓ હવે ડિજિટલ ઈકોનોમીનો ભાગ બની શકશે – તે પણ ઈન્ટરનેટ વિના.