પતિ પત્નીના વચ્ચેના ઝઘડાઓ સામાન્ય બાબત છે. જોકે સુપ્રીમ કોર્ટમાં એક એવો કિસ્સો આવ્યો જેને જોઈને જજ પોતે પણ દંગ રહી ગયા. વાત એમ છે કે આમાં પતિ-પત્નીએ એકબીજાની વિરુદ્ધ 67 કેસ કર્યા હતા. ભારતીય મૂળના અમેરિકન નાગરિકે પોતાની પત્ની વિરુદ્ધ 58 કેસ ફાઈલ કર્યા જેના જવાબમાં પત્નીએ પતિ પર 9 કેસ દાખલ કર્યા છે. જેમાં મોટાભાગના કેસ ડોમેસ્ટિક વાયોલન્સ, બાળકની કસ્ટડી અને દહેજ ઉત્પીડનને લઈને છે.
તાજેતરમાં જ જ્યારે સુપ્રીમ કોર્ટ પાસે તેમનો 67 કેસ પહોંચ્યો ત્યારે ન્યાયાધીશ કુરિયન જોસેફ અને ન્યાયાધીશ આર. ભાનુમતિની પીઠ દંગ રહી ગઈ. આ વખતે વાત આઠ વર્ષના બાળકની કસ્ટડીને લઈને કોર્ટ સમક્ષ પહોંચી હતી. આ કેસની સુનાવણી કરતા જજે કહ્યું કે મેં મારા આખા જીવનકાળમાં પતિ અને પત્ની ને એકબીજાની વિરુદ્ધ આટલા બધા કેસ દાખલ કરતા કદી નથી જોયા. આ કેસ અંગે જજ કુરિયન જોસેફે કહ્યું કે અત્યાર સુધીમાં આવા કિસ્સામાં વધુમાં વધુ જ 36 કેસ દાખલ થતા જોયા છે.
ઉલ્લેખનીય છે કે આ દંપતીના લગ્ન વર્ષ 2002માં મે મહિનામાં થયા હતા. લગ્ન પછી બન્ને અમેરિકા ચાલ્યા ગયા અને 2009માં બાળકના જન્મ પછી તેમની વચ્ચે ઝઘડા શરૂ થયા. એ પછી તેમણે એકબીજાની વિરૂદ્ધ કેસ દાખલ કરવાની શરૂઆત કરી.