વડોદરાઃ ઈલેક્શન કમિશન દ્વારા 1લી સપ્ટેમ્બરથી મેગા ઈલેક્ટર્સ વેરીફિકેશન પ્રોગ્રામને લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ હેઠળ જન ભાગીદારીથી મતદાર સૂચીને અપડેટ કરવામાં આવશે. મતદાતા પોતાના મોબાઈલ પર વોટર હેલ્પલાઈન એપ ડાઉનલોડ કરીને પોતાનું નામ, ફોટો અને એડ્રેસમાં સુધારા-વધારા કરી શકશે. જ્યારે એપ્લિકેશનમાં મતદાતા થકી કરાયેલા પ્રોસેસ બાદ બીએલઓ તેમના ઘરે જઈને જે તે મતદાતાનું ફોટો આઈડી જોઈ આ પ્રોસેશને પૂર્ણ કરશે. ઈલેક્શન કમિશનનો આ કાર્યક્રમ 30 સપ્ટેમ્બર સુધી ચાલશે.
જનસંપર્ક કેન્દ્રમાં જઈને સુધારા-વધારા કરી શકાશે
વડોદરાના ડી.એસ.ઓ મનીષાબેન બ્રહ્મભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, હજુ આ એપ્લીકેશનને અપડેટ થતા બે થી ત્રણ દિવસ લાગી શકે તેમ છે. મતદાતાઓ ગુગલ પ્લે સ્ટોરમાંથી આ એપ ડાઉનલોડ કરી શકે છે. એપ્લીકેશનમાં પ્રથમ મતદાતાએ પોતાનો ફોટો આઈડી નંબર રજીસ્ટર કરાવવો પડશે જે બાદ એક ઓટીપી તેમના મોબાઈલ પર આવશે. ઓટીપી નાંખ્યા બાદ આ એપ્લીકેશનમાં ફોટો,એડ્રેસ તેમજ નામમાં સુધારા-વધારા સહિતની વિગતોને બદલી શકસે. જોકે ફાયનલ પ્રોસેસ બીએલઓ જે તે મતદાતાને ઘરે જઈ તેની ખરાઈ કર્યા બાદ જ થશે. જ્યારે કોઈ મતદાતાને મોબાઈલમાં એપ ડાઉનલોડ નથી કરવી તો તે જનસંપર્ક કેન્દ્રમાં જઈને પોતાના મતદાર કાર્ડમાં સુધારા-વધારા કરાવી શકે છે. આ ઉપરાંત તે પોતાના જુના બ્લેક એન્ડ વ્હાઈટ કાર્ડને પણ બદલી રંગીન મતદાન કાર્ડ મેળવી શકે છે.
ડોર ટુ ડોર વેરિફિકેશન સરવે શરૂ થશે
વોટર વેરીફિકેશન પ્રોગ્રામ હેઠળ 30 સપ્ટેમ્બર સુધી દરેક બીએલઓ ઘરે-ઘરે પહોચીને સર્વે કરશે. જેમાં એક-એક મતદાતાનું કાર્ડ ચેક કરાશે, જો કોઈ મતદાતાનું નિધન થઈ ગયું હશે તો તેમનું નામ કમી કરવાનું કામ પણ કરવામાં આવશે. ઈલેક્શન કમિશન દ્વારા મેગા મિલિયન અભિયાનની શરૂઆત તમામ રાજ્યો તેમજ કેન્દ્રશાસીત પ્રદેશોમાં કરવામાં આવી છે. આ અભિયાનમાં રાજ્યના સ્તર પર 36 સીઈઓ અને જિલ્લા સ્તર પર 740 જિલ્લા ચુંટણી અધિકારી સહિત અંદાજીત 10 લાખ મતદાન કેન્દ્રો પર બીએલઓ મતદાતાઓના વેરીફિકેશનની કામગીરીમાં જોડાશે.