Stampede મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ દુઃખ વ્યક્ત કર્યું, ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવાના ઉપાયો પર ચિંતન
Stampede બેંગલુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ની વિજય પરેડ દરમિયાન થયેલી દુઃખદ ઘટના અંગે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ દુઃખ વ્યક્ત કર્યું છે અને આવી ઘટનાઓ પુનઃ ન બને તે માટે સ્ટેડિયમને બીજી જગ્યાએ ખસેડવાની શક્યતા પર વિચાર કરવાની વાત કહી છે. આ નાસભાગમાં 11 લોકોનાં મોત થયા હતા અને 33 લોકો ઘાયલ થયા હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, “આવી દુઃખદ ઘટના કોઈ સરકારમાં બનવી નહોતી. સરકારે ઘટના બાદ તરત પગલા લીધા છે. સ્ટેડિયમને બીજી જગ્યાએ ખસેડવા અંગે પણ ગંભીરતા પૂર્વક વિચારણા થઈ રહી છે.” તેમનું કહેવું છે કે KSCA (કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન) દ્વારા આમંત્રણ મળ્યા બાદ તેઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં અને કાર્યક્રમનું આયોજન સરકાર દ્વારા કરાયેલું ન હતું.
પોલીસ અધિકારીઓ પર પગલાં
મુખ્યમંત્રીએ જણાવ્યું કે ઘટના અંગે પાંચ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ ગુપ્તચર વિભાગના વડા અને મુખ્યમંત્રીના રાજકીય સચિવની બદલી પણ કરવામાં આવી છે.
તેમણે કહ્યું, “સરકારે કોઈ ખોટું પગલું ભર્યું નથી. જવાબદારાઓ સામે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. દુઃખદ ઘટના છે, પણ સરકાર માટે શરમજનક કંઈ નથી.”
રાજકીય પ્રતિક્રિયા
વિપક્ષના રાજીનામાની માંગ પર મુખ્યમંત્રીએ કહ્યું કે, “શું કુંભ મેળા દરમિયાન લોકોનાં મોત થયા ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું હતું? ભાજપ અને જેડીએસે ત્યારે શું કર્યું હતું?” તેમનો જવાબ રાજકીય દબાણનો સામનો કરવા માટે સ્પષ્ટ અને સીધો હતો.
બેંગલુરુમાં થયેલી દુઃખદ ઘટનાએ પ્રશાસન અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. મુખ્યમંત્રીએ ઘટના અંગે જવાબદારી સ્વીકારી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એ માટે કાર્યવાહી શરૂ કરી છે. સ્ટેડિયમ ખસેડવા અંગેની ચર્ચા આગામી સમયમાં વધુ ગંભીરતાથી આગળ વધે તેવી સંભાવના છે.