દેશના ઓટો સેક્ટરમાં મંદી ચરમસીમા પર પહોંચી છે. દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ હરિયાણામાં આવેલા ગુરુગ્રામ અને માનેસર ખાતેના પ્લાન્ટમાં બે દિવસ પ્રોડક્શન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. કંપની દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ૭ અને ૯ સપ્ટેમ્બરના રોજ કંપનીના ગુરુગ્રામ અને માનેસર ખાતેના પ્લાન્ટમાં તમામ મેન્યુફેક્ચરિંગ ઓપરેશન અટકાવીને નો પ્રોડક્શન ડે પળાશે. ગુરુગ્રામ ખાતેના કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્પાદન અને વેચાણમાં આવી ગયેલા તફાવતને દૂર કરવા માટે આ નિર્ણય લેવાયો છે. ઉત્પાદનના પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું નથી તેથી કંપનીએ સ્ટોક ક્લિયરન્સ માટે બે દિવસ મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી ઓટો સેક્ટરમાં પ્રવર્તી રહેલી મંદીના કારણે મારુતિ સુઝુકીના વેચાણમાં મોટો ઘટાડો થયો છે. આ નિર્ણય ઓટો સેક્ટરમાં પ્રવર્તતી મંદીના કારણે લેવાયો છે.
ઓગસ્ટમાં મારુતિના ઉત્પાદનમાં ૩૪ ટકા અને વેચાણમાં ૩૩ ટકાનો ઘટાડો
બજારમાં પ્રવર્તી રહેલી ગંભીર મંદીના પગલે મારુતિ સુઝુકીએ ઓગસ્ટ મહિનામાં ૩૪ ટકા ઉત્પાદન ઘટાડી દીધું હતું. ઓગસ્ટ ૨૦૧૮માં કંપનીએ ૧,૬૮,૭૨૫ યુનિટનું ઉત્પાદન કર્યું હતું જેની સામે ઓગસ્ટ ૨૦૧૯માં ૧,૧૧,૩૭૦ યુનિટ તૈયાર કરાયાં હતાં. ઓગસ્ટ ૨૦૧૮માં ૧,૬૬,૧૬૧ પેસેન્જર કાર નિર્માણ થઈ હતી જ્યારે ૨૦૧૯ના ઓગસ્ટમાં આ સંખ્યા ૧,૧૦,૨૧૪ પર પહોંચી છે. જુલાઈ ૨૦૧૯માં મારુતિએ ૨૫ ટકા પ્રોડક્શન ઘટાડીને ૧,૩૩,૬૨૫ યુનિટ તૈયાર કર્યાં હતાં. ૧ સપ્ટેમ્બરે કંપનીએ જણાવ્યું હતું કે, તેના કુલ વેચાણમાં ૩૩ ટકાનો ઘટાડો થયો છે. ઓગસ્ટ ૨૦૧૮માં ૧,૫૮,૧૮૯ની સરખામણીમાં ઓગસ્ટ ૨૦૧૯માં ૧,૦૬,૪૧૩ યુનિટનું જ વેચાણ થયું હતું.
ટ્રકોના વેચાણમાં ૬૦ ટકાનો ઘટાડો, અશોક લેલેન્ડને ૭૦ ટકાનો ફટકો
ફક્ત કારના ઉત્પાદન અને વેચાણમાં જ નહીં પરંતુ મીડિયમ અને હેવી ડયૂટી કોમર્શિયલ વાહનોના ઉત્પાદન અને વેચાણમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. ટ્રકોના વેચાણને અર્થતંત્રની તંદુરસ્તીનો એક માપદંડ ગણાય છે. ઓગસ્ટમાં તાતા મોટર્સ, અશોક લેલેન્ડ, વોલ્વો આઇશર અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવી દેશની ચાર ટોચની ટ્રક ઉત્પાદક કંપનીઓના વેચાણમાં ઓગસ્ટ મહિનામાં ૫૯.૫ ટકાનો ઘટાડો થયો છે. તાતા મોટર્સના ટ્રકના વેચાણમાં ૫૮ ટકા અને અશોક લેલેન્ડના વેચાણમાં ૭૦ ટકા ઘટાડો નોંધાયો છે.
જીએસટી કાઉન્સિલ હાઇબ્રિડ વાહનો પરનો જીએસટી ઘટાડે તેવી સંભાવના
જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં હાઇબ્રિડ વાહનો પરનો જીએસટી ઘટાડવામાં આવે તેવી સંભાવના છે. આર્થિક મંદીનો સામનો કરી રહેલા ઓટો સેક્ટર દ્વારા વાહનો પરના જીએસટીમાં ઘટાડાની ઉગ્ર માગ થઈ રહી છે. સરકાર હાઇબ્રિડ વાહનો પરના જીએસટીમાં ઘટાડો અને સેશ માફી અંગેની શક્યતાઓ ચકાસી રહી છે.