Kadi Assembly by-election ભાજપ, કોંગ્રેસ અને આપના સીનિયર નેતાઓ ચૂંટણી પ્રચારમાં મેદાનમાં ઉતર્યા
Kadi Assembly by-election ગુજરાતમાં વિસાવદર અને કડીની પેટાચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આપના સીનિયર નેતાઓ ચૂંટણી પ્રચારમાં મેદાનમાં ઉતર્યા છે. કડી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી જીતવા ભાજપની સાથે સાથે કોંગ્રેસ પણ પુરજોશમાં પ્રચાર કરી રહી છે.
કોંગ્રેસમાંથી રમેશ ચાવડા ચૂંટણી મેદાનમાં
કોંગ્રેસે કડી વિધાનસભા બેઠક પરથી રમેશ ચાવડાને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. રમેશ ચાવડા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. રમેશ ચાવડા વર્ષ 2012માં ચૂંટણીમાં હિતુ કનોડિયાને હરાવીને ધારાસભ્ય બન્યા હતા. જ્યારે વર્ષ 2017માં ચૂંટણી વખતે રમેશ ચાવડા ભાજપના કરસન સોલંકી સામે ચૂંટણી હારી ગયા હતા.
કડી વિધાનસભાની વાત કરીએ તો, કડીમાં પૂર્વ ધારાસભ્ય કરસન સોલંકીના અવસાનનાં કારણે કડી વિધાનસભા બેઠક ખાલી થઈ હતી. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે.
આગામી 19 જૂને સવારથી સાંજ સુધી મતદાન યોજાશે. આ દરમિયાન તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. જેથી મતદારો કોઈપણ મુશ્કેલી વિના મતદાન કરી શકે. મતદાન બાદ 23 જૂને મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીપંચે મતદારોને ઉત્સાહભેર મતદાન કરવાની અપીલ કરી છે.
ભાજપ-કોંગ્રેસ અને આપ દ્વારા ચાવડા સમાજના ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવતા ખરાખરીનો જંગ જામશે. કડી પેટાચૂંટણીને લઈ કોંગ્રેસના રમેશ ચાવડા, આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા અને ભાજપના રાજેન્દ્ર ચાવડા ત્રણેય પક્ષોનું પ્રચાર કાર્ય તેજ બન્યું છે. અને તેને મુખ્ય પાર્ટી સિવાય શંકરસિંહ વાઘેલાની પાર્ટીના ઉમેદવારે પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે.
રાજકીય વર્તુળોનાં જણાવ્યા મુજબ કડી ભાજપના જૂથવાદ એમાં પણ નીતિન પટેલ સહિત વિનોદ પટેલ અને રજની પટેલના જૂથ એક થાય તો જીત ભાજપને મળશે તેવા એંધાણ આપ્યા છે તો કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા માટે કોંગ્રેસના નેતાઓએ કડીમાં પડાવ નાંખ્યો છે. અને જૂના નેતા અને રાજકારણમાં સક્રિય હોવાથી તેઓ કોગ્રેસમાં રહીને ટક્કર આપશે. જ્યારે આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા કોના વોટ કાપશે તે વાત પર નિશાન તાક્યું હતું. હાલમાં તો કડીની બેઠક પર પ્રાથમિક તારણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે.
કોંગ્રેસ સાંસદ ગેનીબહેને ભાજપ પર કર્યા પ્રહારો
સાંસદ ગેનીબહેન કડી બેઠક પર કોંગ્રેસનો પ્રચાર કરવા માટે રાજપુર પ્રચાર સભામાં ભાગ લીધો હતો. રાજપુર ખાતે યોજાયેલી પ્રચાર સભામાં ગેનીબહેને ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, તમારા ગામમાં આવી છું અને તમે મને સાડી ઓઢાડી છે તો તેનું માન રાખજો. એવામાં જો ચૂંટણી જીતવા માટે ભાજપવાળાઓ નાની-મોટી લોભ-લાલચ આપે કે, પૈસા આપે તો લઈ લેજો. કારણ કે, એમણે કંઈ મજૂરી કરીને ભેગા કરેલા પૈસા નથી. ભાજપ પૈસા આપે એ લઈ લેજો, વાપરવા હોય તો વાપરજો અને ન વાપરવા હોય તો રમેશભાઈના કામમાં વાપરજો પણ છેલ્લે વોટ કોંગ્રેસને આપજો.’