વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં રશિયાના વ્લાદીવસ્તોક ખાતે પાંચમી ઇન્ટર્ન ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા માટે ગયા હતા. આ મુલાકાત સમયે રશિયા સાથેની શિખર મંત્રણા દરમિયાન વડાપ્રધાને રશિયાને એક બિલિયન ડોલરની લાઇન ઓફ ક્રેડિટ સહાયની પણ જાહેરાત કરી. ટૂંકમાં લાઇન ઓફ ક્રેડિટનો મતલબ વ્યાજે પૈસા આપવા એવો કહી શકાય.
અત્યારે ભારતમાં જ્યારે અભૂતપૂર્વ મંદીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે પારકા દેશને કરેલી આ સહાય દેશવાસીઓને ખૂંચે તે સ્વાભાવિક છે. હાલમાં બેરોજગારીનો દર છેલ્લા ઘણા દાયકાઓમાં ટોચ પર છે, ઓટોમોબાઇલ સેક્ટર, સર્વિસ સેક્ટર વગેરે પણ મંદીના અજગર ભરડામાં આવી ગયા છે. અત્યારે ભારતીય અર્થતંત્રને આર્થિક સહાયના બૂસ્ટર ડોઝની તાતી જરૂરિયાત છે ત્યારે મોદી સરકાર દ્વારા બીજા દેશોને કરવામાં આવતી ખેરાતથી વિપક્ષ અને સામાન્ય જનતા હેરાન છે.
રશિયા ભારતનું દશકો જૂનું મિત્ર છે, તે યુનો જેવા વૈશ્વિક મંચ પર હંમેશા ભારતની તરફેણમાં રહ્યું છે. ભારત 20મી સદીના અંત સુધી શસ્ત્રોની બાબતમાં પણ મોટે ભાગે રશિયા પર અવલંબિત હતું પણ હમણાંથી ભારતે રશિયાના કટ્ટર શત્રુ અમેરિકા સાથે પણ પોતાની ભાગીદારી વધારતાં રશિયાને માઠું લાગ્યું હતું. ત્યારે મોદી સરકારનું આ પગલું રશિયાને નારાજ થતું રોકવા વિદેશનીતિના ભાગરૂપે ગણાવાય રહ્યું છે. સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વ્યાજે આપેલી રકમ છે જે આપણને પાછી મળી જશે પરંતુ વિપક્ષ અને સામાન્ય જનતા દ્વારા સરકારના આ પગલા પ્રત્યે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે આશા રાખીએ કે ભારત સરકાર બીજા દેશોને કરવામાં આવતી ખેરાત બંધ કરીને દેશ તરફ પણ નજર કરે.