વિસનગરઃ વિસનગર તાલુકાના પુદગામની સીમમાંથી ગાયોનું કતલખાનુ પકડાતાં ગામલોકો સહિત જીવદયાપ્રેમીઓમાં આક્રોશ ભભૂકી ઊઠ્યો હતો. ગામલોકોએ જાણ કરતાં પહોંચેલી પોલીસે ઘટના સ્થળેથી 500 કિલો ગૌમાંસ તેમજ રિક્ષા, સેન્ટ્રોગાડી, મેટાડોર અને બાઇક સાથે પાંચ ગાયોનાં માથાં, ચામડી, શીંગડા અને હાડપિંજર જપ્ત કર્યાં હતાં. આ મામલે વિસનગર તાલુકા પોલીસે મુખ્ય સૂત્રધાર કનુ દેવીપૂજક સહિત ચાર ગાડીના વાહન ચાલકો સામે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. માંસનો જથ્થો જેસીબીથી ખાડો કરી નાશ કરાયો હતો.
પુદગામની સીમમાં છાપરા પાછળ વાડામાં ગાયોની કતલ કરી માંસ ભરાતું હોવા અંગે ગ્રામજનોએ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે, પોલીસને જોઇ છાપરામાં રહેતો કનુ અમરત દેવીપૂજક નામનો શખ્સ સહિત વાહનચાલકો નાસી છુટ્યા હતા. ઘટના સ્થળેથી રિક્ષા, સેન્ટ્રોગાડી, મેટાડોર અને બાઇક સાથે ગાયોના માથા, ચામડી, શીંગડા અને હાડપિંજર સહિત 500 કિલો ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો.
બનાવને પગલે માલધારી, ક્ષત્રિય સમાજ સહિત બજરંગ દળના અગ્રણીઓ દોડી આવ્યા હતા. પોલીસે ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) અધિનિયમ મુજબ દેવીપૂજક કનુ અમરત તેમજ ચાર વાહનોના ચાલકો સામે ગુનો નોંધી જથ્થો ખાડો કરી નાશ કર્યો હતો. પીએસઆઇ એ.કે. વાઘેલાએ જણાવ્યું કે, દોષિતોને પકડવાની તજવીજ હાથ ધરી છે. વિસનગરના અને અખિલ ભારતીય ગૌરક્ષા સમિતિએ આરોપીઓને પકડી વધુમાં વધુ સજા મળે તે માટે માલધારી તેમજ ક્ષત્રિય સમાજ સહિતના અગ્રણીઓ સોમવારે આવેદનપત્ર આપનાર છે.
ફોરેન્સિક તપાસમાં ગૌમાંશ હોવાનું ખુલ્યું
ગાંધીનગર ગૌમાંસ પરીક્ષણ યુનિટને જાણ કરતાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારી એમ.એમ. પટેલે ઘટના સ્થળે આવી અલગ અલગ 25 નમૂના લીધા હતા, જેમાં પકડાયેલ જથ્થો ગૌમાંસ હોવાનું ખુલ્યું હતું.
મેટાડોરમાં ગાયોને લવાતી સેન્ટ્રો-રિક્ષામાં માંસ મોકલાતું
પુદગામની સીમમાં કનુ દેવીપૂજકના વાડામાંથી હત્યા કરેલી ગાયોનું માંસ સેન્ટ્રો ગાડી અને રિક્ષામાંથી મળી આવ્યું હતું. જેથી અલગ અલગ સ્થળેથી મેટાડોરમાં ગાયો લાવી સેન્ટ્રો ગાડી અને રિક્ષામાં માંસ લઇ જવાતું હતું. આ ટોળકી ઢોરડબા અને વાડામાંથી તેમજ રસ્તા ઉપર ફરતી ગાયોની ચોરી કરતી હોવાનું મનાય છે.