અમદાવાદઃ નિલકંઠ વર્ણી પર મોરારિબાપુના નિવેદન સામે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોરારિબાપુએ “લાડુડીવાળા નીલકંઠ” બાબતે જે ટિપ્પણી કરી તે બદલ મિચ્છામી દુક્કડમ તો કર્યું પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના લગભગ તમામ પંથે આનો અસ્વીકાર કરી દીધો છે. એટલું જ નહીં, તમામ સ્વામિનારાયણ પંથે એકસૂરે મોરારિબાપુ આ પ્રકરણમાં ભગવાન સ્વામિનારાયણની માફી માગે તેવી માગણી ઉઠી છે. જો કે, હવે જાણીતા લેખિકા અને વક્તા કાજલ ઓઝા વૈદ્યે પણ આ મામલે ઝંપલાવ્યું છે. તેમણે પોતાના ઓફિશિયલ ફેસબૂક એકાઉન્ટ પર એક પોસ્ટ લખી છે અને મોરારિબાપુનો બચાવ કર્યો છે. આટલેથી જ ન અટકતા કાજલ ઓઝાએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહિલાનું મોઢું ન જોવાની પ્રથા સામે પણ સવાલ કર્યા છે.
મોરારિબાપુના બચાવમાં કાજલ ઓઝાએ કરેલી એફબી પોસ્ટ અક્ષરસઃ
આંહી, અમેરિકા માં એક વાત મેં દરેક પ્રવાસ વખતે નોંધી છે…આંહી કુદરત ની પ્રસંશા છે, પૂજા નથી. નદી ના પાણી માં ફૂલ કે નારિયેળ ના નંખાય!ગમે ત્યાં લાઉડસ્પીકર પર ધર્મ અભિવ્યક્ત ના કરાય. ધર્મ કે ધાર્મિકતા ને પ્રગટ કરવા માટે નિશ્ચિત સ્થાન, સમય હોવો જોઈએ! એનું એક સ્થાન, એક સમય હોય. એનાથી દીવા નું, ફૂલ કે ધર્મ નું સન્માન જળવાય છે.
આપણે ત્યાં ધર્મ અહંકાર, વિવાદને પરસ્પર અપમાન માટે વપરાય છે! “સ્વધર્મ” શબ્દ સાથે જ કૃષ્ણએ ધાર્મિક માન્યતા અને અભિપ્રાય ની સ્વતંત્રતા આપી દીધી છે. અધ્યાત્મ અને ધર્મ જુદા છે, પણ આપણે જાણતા નથી કે જુદા રાખી શકતા નથી, કોને ખબર.
સામાન્ય રીતે હું કોઈ દિવસ ધાર્મિક ચર્ચા માં પડતી નથી. મને લાગે છે કે ધર્મ આપણા જીવન નો આધાર છે. વિશ્વનો કોઈ પણ ધર્મ, ઝગડા કે વિવાદ શીખવતો નથી. સહિષ્ણુતા અને સ્નેહ શીખવે છે. સ્વીકાર શીખવે છે.
છેલ્લા થોડા દિવસ થી મોરારિબાપુ ના એકાદ વિધાન નો વિવાદ ચગ્યો છે. નવાઇ ચોક્કસ લાગી કારણકે હું જે બાપુ ને ઓળખું છું કે જે કારણસર એમનો આદર કરું છું એ મોરારીબાપુ તો સૌને સાથે લઈને ચાલે છે. એમની વ્યાસપીઠ તો “હાશ!પીઠ” છે. અહંકાર પીઠ નથી, આવકાર પીઠ છે. સંવાદ પીઠ છે, સ્વીકાર અને સહકાર પીઠ છે.
મોરારિબાપુ ભગવાન નથીજ! બનવા માગતા યે નથી. એ તો સાધુ છે,એ જ રહેવા માગે છે!
કોઈ કંઠી, કે નિયમ એ આપતા જ નથી. રામકથા કહે છે પણ શિવ કે કૃષ્ણ કે આદ્યશક્તિ ને પ્રણામ કરે છે. બુદ્ધ, મોહમ્મદ કે નાનક કે જિસસ એમને માટે આદરણીય જ છે.
એમની વ્યાસપીઠ “સત્ય” જ બોલે છે.સૌને “પ્રેમ” કરે છે અને એમની “કરુણા” ક્યારેક એમના યે કન્ટ્રોલ બહાર નીકળી જાય છે એની હું સાક્ષી છું.
એમણે જે કહ્યું તે “સાચું” કે “ખોટું” ના વિવાદ માં મારે ભાગ નથી લેવો. એમનો બચાવ કરવા માં મને તસુભાર રસ નથી કારણકે એમને ,વકીલ ની જરૂર જ નથી.
મારે આજે એક જ સવાલ પૂછવો છે, કે જે ધર્મના “સાધુ” મા કે બહેનને પણ “સ્ત્રી” કહી ને નકારે એ કેવો નિયમ.
સ્ત્રી વગર જગત સંભવ નથી. સ્ત્રી એ માનવજાત ને જીવતી રાખી છે. માનું ધાવણ કે એના હાથ નું ભોજન આપણા સૌ ની જીવનશક્તિ છે…બહેન ની રાખડી કે ભાભી ના હેત માં એક પુરુષ ને પવિત્ર બનાવવા ની અપૂર્વ તાકાત છે. એ બધા ને અવગણી ને સ્ત્રી નું મોં પણ ના જોવાનો નિયમ તો સ્વયમ ના અસ્તિત્વ ને જ અપમાનિત કરે કે નહિ.
જે પોતાની ભીતર ના વિકાર પર, વાસના પર, ઇન્દ્રિયો પરની લગામ પોતાના હાથ માં રાખી શકે એ જ સાધુ કહેવાય ને!??? તો પછી સાધુ ને શા માટે ડર લાગે? કોનો સ્ત્રીનો કે સ્વયમ નો.
ક્યારેક આ નિયમ સાચો હોય તો પણ ધર્મ upgrade થવો જોઈએ. સમય સાથે એમાં બદલાવ આવવા જોઈએ. ધર્મ પ્રવાહી છે, વહેતો ધર્મ સુગંધાય, બંધાય તો ગંધાય.
કુબ્જા ના મોહ ને મુક્તિ માં પલટવા સ્વયમ કૃષ્ણ એને ઘેર ગયા.ગોપીઓ ના આકર્ષણ ને સમર્પણ માં ફેરવ્યું.
જે વિકાર ને સ્વીકાર માં,વિવાદ ને સંવાદ માં ફેરવે.જે સંદેહ ને સમજણ માં,ક્લેશ ને કરુણા માં ફેરવે તે સાધુ
બાપુ એ જે નમ્રતા થી માફી માગી એ વાત ને વંદન છે, કારણકે એમને મધપૂડા છંછેડવા માં રસ નથી, એને ઉછેરી ને એનું મધ સૌને વહેંચવાનો પ્રયાસ કરવા માં રસ છે! વિવાદ ઉશ્કેરવા સહેલા છે શમાવવા અઘરા છે. સામે પડવું સહેલું છે, ક્ષમા માગવા ની સહજતા અને સરળતા અઘરી છે.
ડરી ને કે હારી ને નહિ, સજ્જનતા ના સ્વભાવે અને કોઈ ને દુઃખ ના પહોંચે માટે જે ક્ષમા માંગી શકે એ સાચો સાધુ!!! આક્ષેપ અને વિવાદ એ સાધુત્વ નથી, ક્ષમા અને સહજ સ્વીકાર એ સાચું સાધુત્વ છે
સૌથી મહત્વ ની વાત તો એ છે કે જો ખરેખર આપણને આપણો ધર્મ સાચો લાગતો હોય તો કોણ, શું બોલે છે એની ચિંતા કેમ થાય છે.
એકાદ વિધાન આપણને હચમચાવે તો માનવું કે આપણા પાયા હલે છે, બાકી હજારો લોકો, અનેક ધર્મો ના સદીઓ સુધી થતાં રહેલા આક્રમણો છતાં સનાતન ધર્મ અડીખમ ઉભો છે ને.