હાલ ગુજરાત અને ભારત સરકાર સૌને નર્મદા ડેમ જોવાનો આગ્રહ કરે છે, આડકતરી રીતે હવે બધાને પાણી મળી જશે એવી હવા ઉભી કરે છે ત્યારે, અત્યાર સુધી થયેલા કામની વાસ્તવિક સ્થિતિ જોવી જરૂરી છે નર્મદા ડેમની સપાટી વધવા છતાં ખેડૂતો માટે હજુ નર્મદાના પાણી મૃગજળ સમાન જ છે એવું ખેડૂત એકતા મંચ ના પ્રમુખ સાગર રબારીએ જણાવ્યું છે. સરદાર સરોવર ડેમનો મૂળ સિંચાઈ કમાન્ડ વિસ્તાર 18,45,000 હેકટર હતો. હાલ સરકાર ક્યારેક 18,45,000 તો ક્યારેક 17,92,000 હેક્ટરના આંકડા આપે છે.
છેલ્લે ગઈકાલે અપડેટ થયેલી સરદાર સરોવરની વેબસાઈટ પ્રમાણે મખ્ય નહેર 458 કિલોમીટરની બનાવવાની હતી તે કામ પૂરું થયું છે. બ્રાન્ચ કેનાલો 2731 કિલોમીટરની બનાવવાની હતી તે પૈકી 2617 કિલોમીટર બની છે એટલે કે 114 કિલોમીટરનું કામ બાકી છે, એનાથી કેટલી માઇનોર અને સબમાઈનોરને પાણી નહીં પહોંચે તે લખતા નથી.
એવી જ રીતે 4569 કિલોમીટરની ડિસ્ટ્રીબ્યુટરી બનાવવાની હતી તે પૈકી 4347 કિલોમીટરની બનાવી છે, 222 કિલોમીટરનું કામ બાકી છે. માઇનોર કેનાલોનું 15670 કિલોમીટરનું કામ કરવાનું હતું તે પૈકી 13889 કિલોમીટર થયું છે, 1781 કિલોમીટરનું કામ બાકી છે. સબ-માઇનોર કેનાલોનું 48,320 કિલોમીટરનું કામ કરવાનું હતું તેની સામે 39,448 કિલોમીટરનું કામ થયું છે, 8872 કિલોમીટરનું કામ બાકી છે.
સિંચાઇની શક્યતા સબમાઈનોર સુધી 14,88,588 કિલોમીટરની લખે છે, આ શક્યતા છે, વાસ્તવિક નહીં. એટલા હેક્ટર જમીનમાં પાણી પહોંચતું નથી. છેલ્લા વાર્ષિક અહેવાલ પ્રમાણે એમણે 18,45,000 હેકટર પૈકી 6,73,000 હેકટર વિસ્તારમાં જ સિંચાઈ આપી હતી, 11,72,000 હેકટર જમીનને તરસી રાખી ખેડૂતોના પાક સુકવ્યા હતા.
ઉપરાંત, ડેમના દરવાજા લગાવવા કે નહીં, ઊંચાઈ વધારવી કે નહીં વગેરે બાબતો સુપ્રીમ કોર્ટના હુકમ અનુસાર નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની મિટિંગમાં નિર્ણયો થતા હતા પરંતુ ગુજરાતમાં નહેરોનું કામ પૂરું કરતા ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટ, કેન્દ્ર સરકાર કે કોઈ પણ રાજ્યની સરકારે રોકી નથી.
છતાં, નહેરોનું કામ પૂરું કરવાની સમય મર્યાદા વધારતા ગયા, આટલા વર્ષ સુધી કામ પૂરું ના કર્યું એ માત્ર અને માત્ર ગુજરાત સરકારે કરેલો જઘન્ય અપરાધ છે. એનો દોષ એ બીજાના માથે ના નાખી શકે. મધ્યપ્રદેશના ખેડૂતો ડુબાણમાં ગયા, ડેમમાં પાણી ભરાયું, હવે પાણી ખેતરે ના પહોંચે તેના માટે માત્ર અને માત્ર ગુજરાત સરકારે અને સરદાર સરોવર નર્મદા નિગમ જ જવાબદાર છે. આ જઘન્ય અપરાધને છુપાવવા માટે જ પ્રચારનો ઢોલ પિટાય છે.