શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થશે. ૧૪ સપ્ટેમ્બર સુધી યોજાનારા ભાદરવી પૂનમના મેળામાં અંબા માતાના દર્શનનો લ્હાવો લેવા માટે અંદાજે ૨૦ લાખથી વધુ ભક્તો ઉમટી પડશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રથનું પ્રસ્થાન કરાવી ભાદરવી મહામેળાનો વિધિવત્ પ્રારંભ કરાવશે.
ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન સવારે ૬:૧૫થી રાત્રે ૧:૩૦ સુધી મા અંબાના દર્શન થઇ શકશે અને બપોરે ૧૧:૩૦થી ૧૨:૩૦-સાંજે ૫ થી ૭ દરમિયાન દર્શન બંધ રહેશે. ભાદરવી પૂનમના મહામેળા માટે પગપાળા સંઘોનું શનિવારથી જ આગમન શરૂ થઇ ગયું છે.
યાત્રિકોને કોઇ પણ પ્રકારની અગવડનો સામનો કરવો પડે નહીં માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પ્રથમવાર દિવ્યાંગ વ્યક્તિને તેમજ તેની સાથે રહેલા પરિવારને મંદિર સુધી લાવવા લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગત વર્ષે માત્ર બાળકો અને દિવ્યાંગો માટે આ વ્યવસ્થા હતી. પરંતુ પરિવાર માટે વ્યવસ્થા નહીં હોવાથી અવ્યવસ્થા સર્જાઇ હતી.
આ ઉપરાંત ચાચર ચોકમાં પ્રસાદ માટે વધુ સંખ્યામાં લોકો એકત્રિત થતા હોવાથી આ વર્ષે કાઉન્ટર વધારવામાં આવ્યા છે. અંબાજી મંદિર સહિત મુખ્ય સર્કલ, દર્શન માટેની લાઇન, મુખ્ય બજારોમાં એલઇડી સ્ક્રિન દ્વારા સમગ્ર મેળાનું ઠેરઠેર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
મેળામાં વિવિધ પ્રદર્શન માટે ગેલેરી, માતૃમિલન પ્રોજેક્ટ, ઓટોમેટેડ એસએમએસ, હેલ્પલાઇન સિસ્ટમ, લાઇવ લેબકાસ્ટિંગ સહિતની સુવિધાઓ ઉભી કરાઇ છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પાંચ હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા છે. શ્રદ્ધાળુઓ માટે વિના મૂલ્યે ભોજન વ્યવસ્થા કરાઇ છે. આ વખતે પ્લાસ્ટિક મુક્ત ભાદરવી પૂનમ મેળાની થીમ પર ઉજવવાનું જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજન કરાયું છે.
ઉલ્લેખનીય છે કે, અંબાજી મંદિરમાં કોઇ દેવીની મૂર્તિ પૂજા નહીં પણ વીસા યંત્રની પૂજા કરવામાં આવે છે. નિજ મંદિરની દિવાલમાં ગોખલો છે. જેમાં આરસની તકતી પર સુવર્ણ જડીત વીસા યંત્રને શણગારવા ચુંદડી, મુગટ એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી માતાજીની મૂર્તિ હોવાનો આ ભાસ થાય છે.
માતાજીને કયો ભોગ-ક્યારે?
અંબાજીમાં સવારે શીરાનો બાલભોગ ચઢાવાય છે. બપોરે રાજભોગમાં દાળ-ભાત-પુરી-શાક-મિષ્ઠાન-રાયતુ-પાન સહિત વિવિધ વ્યંજનો સોનાની થાળમાં આસ્થા-શ્રદ્ધા સાથે ચઢાવવામાં આવે છે. અંબાજી મંદિરમાં આવેલા માતાજીની ગાદીના રસોડામાં માતાજીનો ભોગ બનાવવામાં આવે છે.
ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ
૧૧૦૦ એસટી બસ દોડાવાશે.
૨૦ ટેન્ટ સિટી ઉભા કરાયા.
૧૫ કાયમી સ્ટેન્ડ પદયાત્રીઓના આરામ માટે.
૨૦ હંગામી શેડ પદયાત્રીઓ માટે બનાવાયા.
૧૨૧ સીસીટીવી કેમેરાથી બાજનજર રખાશે.
૪૪ એલઇડી-એલસીડીથી મેળાનું જીવંત પ્રસારણ.
૫ હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત.
ભાદરવી પૂનમના મેળા દરમિયાન દર્શનનો સમય
આરતી સવારે : ૬:૧૫થી ૬:૪૫
દર્શન સવારે : ૬:૪૫થી ૧૧:૩૦
રાજભોગ બપોરે : ૧૨ કલાકે
દર્શન બપોરે : ૧૨:૩૦ થી ૫:૦૦
આરતી સાંજે : ૭:૦૦થી ૭:૩૦
દર્શન સાંજે : ૭:૩૦થી રાત્રે ૧:૩૦