તમે વિચારી શકો છો કે 3 વર્ષના એક બાળકને મોબાઈલની લત લાગી હોય અને તેની કાઉન્સલીંગ થઈ રહી હોય. ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના મન કક્ષ કાઉન્સલીંગ સેન્ટરમાં એક મહિલા પોતાના 3 વર્ષના પુત્રને લઈને આવી હતી,તેણે ફરિયાદ કરી હતી કે તેનું બાળક પથારીમાં પેશાબ કરી દે છે. બાદમાં ખબર પડી કે બાળક થોડી મિનિટો માટે પણ મોબાઈલ ફોન છોડવા માગતો નથી આ કારણથી તે પેશાબ કરવા પણ જતો નથી.
3 વર્ષનો આ બાળક એકમાત્ર નથી જે રોજના આશરે 8 કલાક ‘ડોરીમોન’ અને ‘મોટુ પતલુ’ જૂવે છે. વાલીઓની આંખ ઉઘાડનાર કિસ્સામાં મન કક્ષ કેન્દ્રમાં છેલ્લા 2 મહિનામાં બાળકોને મોબાઈલ ફોનની લત લાગી હોય એવા 39 કેસ આવ્યા હતા જેમાં 10થી 18 વર્ષના બાળકો હતા.
ચિંતિત ડો. આશીષ કુમાર જે જિલ્લાના હોસ્પિટલમાં સાઈકીયાટ્રીસ્ટ છે તેમણે જણાવ્યું હતું મોટાભાગના મામલામાં સામે આવ્યું હતું કે માતા પિતા પોતાના બાળકને નાની ઉંમરમાં જ મોબાઈલ ફોન આપી દે છે જેથી તેમના કામમાં તે વિઘ્ન નહીં નાંખે. આના કારણે બાળકને મોબાઈલની લત લાગી જાય છે અને તેનો વ્યવહાર ખરાબ થઈ જાય છે.
મન કક્ષના એક અન્ય ડોક્ટર ખુશ અદાએ 3 વર્ષના બાળકના મામલા અંગે કહ્યું હતું તેની માતા જ્યારે ઘરનું કામ કરતી હતી તે પોતાના બાળકને મોબાઈલ ફોન પકડાવી દેતી હતી. મોટા ભાગના માતા પિતા બાળકોની અભ્યાસથી અને માથામાં દુખાવાથી સંબધિત સમસ્યા લઈને આવે છે પણ તપાસ કરતા તેનું મૂળ કારણ મોબાઈલ ફોનની લત હોય છે. બાળકો કલાકો મોબાઈલ ફોન પર પસાર કરે છે. અમે વાલીઓ અને બાળકો બંનેની કાઉન્સલીંગ કરી બાળકની સારવાર કરીએ છીએ.