Gujarat Rain Forecast ચોમાસાની એન્ટ્રી સાથે ગુજરાતમાં મેઘરાજાનો ધમાકો
Gujarat Rain Forecast ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે અને છેલ્લા એક સપ્તાહથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારેથી લઇ ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 22 જૂનથી 25 જૂન દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં તો પહેલેથી જ ચોમાસું સક્રિય બન્યું છે અને કેટલાક જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું
હવામાન વિભાગે તાજા આગાહીમાં જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે, જેને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ આજ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં 25 જૂન આસપાસ વધુ એક સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે, જેના પગલે 25 પછી પણ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ ચાલુ રહી શકે છે. હાલના ટ્રફ રેખા અને દરિયાઈ પવનના કારણે દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ જોવા મળી રહ્યો છે.
શુક્રવારે 23 જિલ્લામાં વરસાદ નોંધાયો
રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, શુક્રવારે સવારે 6 વાગ્યે પૂરા થયેલા 24 કલાકના વરસાદમાં 23 જિલ્લાના 101 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્લાના વાપી ખાતે સૌથી વધુ 7 ઇંચ અને પારડીમાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. નવસારીના ઉમરગામ, ભરૂચના હાંસોટ, સુરતના ઓલપાડ અને ડાંગના વઘઈ જેવા તાલુકાઓમાં પણ 3 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં ચોમાસાની સિઝન તીવ્ર રીતે શરૂ થઈ ચૂકી છે. હવામાન વિભાગની આગાહીને આધારે લોકો અને વહીવટ તંત્રે સાવચેતી રાખવી જરૂરી બની છે. ખાસ કરીને યલો એલર્ટ ધરાવતાં વિસ્તારોમાં રહેવાસીઓએ સુરક્ષિત સ્થળ પર રહેવા અને પાણી ભરાવાવાળી જગ્યાઓથી દૂર રહેવાની સલાહ અપાઈ છે.