Adani Green Hydrogen Project સૌર ઉર્જા આધારિત 5 મેગાવોટ પાયલોટ પ્રોજેક્ટ વિદેશી ઇંધણ પરની નિર્ભરતા ઘટાડશે
Adani Green Hydrogen Project અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL) એ એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે – ભારતનો પ્રથમ 5 મેગાવોટ ક્ષમતા ધરાવતા ઓફ-ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનો સફળ લોન્ચ. ગુજરાતના કચ્છ જિલ્લામાં કાર્યરત થયેલો આ પ્લાન્ટ સંપૂર્ણપણે સૌર ઉર્જા પર આધારિત છે અને ગ્રીડ વિના કાર્યરત રહે છે. બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સાથે જોડાયેલો આ પ્લાન્ટ ભારતના ઊર્જા ક્ષેત્રમાં પરિવર્તન લાવવાના દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
સૌર ઉર્જા આધારિત સ્વચાલિત ટેક્નોલોજી
આ પ્લાન્ટ અત્યાધુનિક ઓટોમેશન સાથે સજ્જ છે, જે સૌર પ્રકાશની ઉપલબ્ધતા પ્રમાણે કાર્ય સંચાલિત કરે છે. તેની અદ્યતન ટેક્નોલોજી પાયલોટ સ્તરે સલામત, વિશ્વસનીય અને કાર્યક્ષમ હાઇડ્રોજન ઉત્પાદન સુનિશ્ચિત કરે છે. આ યોજના ભારતના રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન (NGHM) અંતર્ગત ગ્રીન ઉર્જા તરફના યાત્રામાં એક મજબૂત પગથિયું છે.
પર્યાવરણ માટે ઐતિહાસિક પગલું
આ પ્લાન્ટ રિફાઇનરી, ફર્ટિલાઇઝર અને ભારે પરિવહન જેવા ઉદ્યોગોને પર્યાવરણમૈત્રી બનાવવામાં સહાયક બનશે. ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થાય છે, જેના દ્વારા ભારત પોતાનું “નેટ ઝીરો એમિશન” લક્ષ્ય પૂરું કરવા માટે વધુ નજીક પહોંચી શકે છે. મુન્દ્રામાં પ્લાન કરાયેલા ગ્રીન હાઇડ્રોજન હબ માટે આ પાયલોટ પ્લાન્ટ એક મોડેલ તરીકે કાર્ય કરશે.
આત્મનિર્ભર ભારત માટે ટેકનોલોજીકલ કૂદકો
ANIL હવે માત્ર ગ્રીન હાઇડ્રોજન સુધી સીમિત નથી. કંપની ગ્રીન એમોનિયા, ગ્રીન મિથેનોલ અને ટકાઉ વિમાની બળતણ જેવા અન્ય પર્યાવરણમૈત્રી વિકલ્પો પણ વિકસાવી રહી છે. મુન્દ્રામાં સોલાર સેલ, મોડ્યુલ, વિન્ડ ટર્બાઇન અને ઇલેક્ટ્રોલાઇઝરનું ઉત્પાદન ભારતને ઊર્જામાં આત્મનિર્ભર બનાવવાનું વિઝન આગળ ધપાવી રહ્યું છે.
અદાણી ગ્રુપનો આ પહેલો ઓફ-ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ માત્ર ટેકનોલોજી નહિ પણ ભારતના ઊર્જા ભવિષ્ય માટે આશાનો દીવો છે. આ પ્રકારના પ્રયાસો દેશને ઊર્જા સુરક્ષા, પર્યાવરણ રક્ષણ અને વૈશ્વિક સ્વચ્છ ઉર્જા હબ બનવા તરફ દોરી જાય છે.