Gujarat Rain Alert : ગુજરાતમાં 25-26 જૂને પણ ભારે વરસાદના એંધાણ
Gujarat Rain Alert: રાજ્યમાં મોસમનું પહેલું તોફાન શરુ થઈ ગયું છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો મારો શરૂ થયો છે. હવામાન વિભાગ દ્વારા આજે, એટલે કે 24 જૂનના બપોરે 1 વાગ્યા સુધી રાજ્યના અનેક વિસ્તારો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે.
છ જિલ્લામાં રેડ એલર્ટ: ભારે વરસાદ અને પવનનું જોખમ
હવામાન વિભાગે પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા અને સુરત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. સાથે જ 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની આગાહી છે.
15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ: સામાન્ય મેઘગર્જના અને પવન
પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં સામાન્ય મેઘગર્જના તથા 41 થી 61 કિમી પ્રતિ કલાકના પવનનો અંદાજ છે.
અન્ય વિસ્તારોમાં યલો એલર્ટ: હળવો વરસાદ ચાલુ રહેશે
રાજ્યના અન્ય તમામ જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.
આવનારા દિવસોની આગાહી: દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદની ચેતવણી
25 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની સંભાવના છે. 26 જૂનના રોજ નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમરેલી, ભાવનગર તથા ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદ પડવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.
પશુઓ માટે બચાવ કામગીરી શરૂ
ભાવનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે 400 ગાયોની સલામતી માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.