Rajkot Para Powerlifting Bronze Medal: રાજકોટના દિવ્યાંગ એથ્લીટે આંતરરાષ્ટ્રીય સ્તરે ઝંડો લહેરાવ્યો
Rajkot Para Powerlifting Bronze Medal: ચીનના બેઇજિંગમાં યોજાયેલા પેરા પાવર લિફ્ટિંગ વર્લ્ડ કપ 2025માં રાજકોટના પ્રતિભાશાળી દિવ્યાંગ પાવરલિફ્ટર રામ બાંભવાએ 72 કિલો કેટેગરીમાં 151 કિલો વજન ઉઠાવી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેમની આ સફળતાથી રાજકોટ, ગુજરાત અને ભારતનું નામ વિશ્વભરમાં ગુંજ્યું છે.
ખેલ મહાકુંભથી શરૂઆત, આજે વર્લ્ડ ચેમ્પિયનશિપ સુધીનો સફર
28 વર્ષીય રામભાઈ બાંભવાએ 2010માં ગુજરાત સરકારના ખેલ મહાકુંભથી પોતાના રમત જીવનની શરૂઆત કરી હતી. શરૂઆતમાં તેમણે ગોળાફેંક, ભાલાફેંક અને ચક્રફેંકમાં જિલ્લા તથા રાજ્ય સ્તરે ગોલ્ડ મેડલ જીતી સફળતા મેળવી. એ સમયે તેમનું સપનું હતુ કે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું સ્થાન બનાવે.
પેરા પાવરલિફ્ટિંગમાં પ્રવેશનો નિર્ણાયક વળાંક
રામભાઈએ પેરા પાવરલિફ્ટિંગમાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો અને યુટ્યૂબના માધ્યમથી જરૂરી માહિતી મેળવી. રાજકોટમાં જ એક સ્થાનિક જિમમાં તાલીમ લઈને તેમણે રમત પર પકડ મજબૂત કરી. દિવ્યાંગ હોવાને કારણે તેમને શરૂઆતમાં જિમમાં પ્રવેશ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પરંતુ એક સ્થાનિક ટ્રેનરના સહકારથી તેમણે આ પડકારોને પાર કર્યા.
આંતરરાષ્ટ્રીય સફળતાના મજબૂત પાયા
જૂનિયર સ્ટેટ લેવલ પર ગોલ્ડ મેડલ જીત્યા બાદ રામભાઈનો માર્ગ રાષ્ટ્રીય સ્તરે ખુલ્યો. એશિયન ગેમ્સ (ચીન) તથા વર્લ્ડ ચેમ્પિયનશિપ (દુબઈ)માં છઠ્ઠું સ્થાન મેળવી તેમણે પોતાનું પોટેન્શિયલ સાબિત કર્યું. તેઓ ગુજરાતના પ્રથમ એવા દિવ્યાંગ એથ્લીટ બન્યા જેમણે પેરાલિમ્પિક ગેમ્સ માટે પ્રી-ક્વોલિફાય કર્યું.
2023નું સોનેરી વર્ષ અને વર્તમાન સફળતા
2023માં ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ (દિલ્હી) તથા નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાનું કારનામું રામભાઈએ કર્યું. આ સફળતાઓએ તેમનો આત્મવિશ્વાસ અનેક ગણો વધારી દીધો, જેનું પરિણા મ ચીનમાં યોજાયેલા વર્લ્ડ કપમાં બ્રોન્ઝ મેડલ રૂપે મળ્યો.
શિસ્તબદ્ધ જીવનશૈલીથી સફળતાની મિસાલ
રામભાઈ કહે છે કે પાવરલિફ્ટિંગ માટે જરૂરી મસલ્સ વિકસાવવા માટે નોન-વેજ જરૂરી નથી. તેઓ દરરોજ બે લીટર દૂધ, પ્રોટીન પાઉડર અને જરૂરી સપ્લિમેન્ટ લેવાથી પોતાની તાકાત જાળવે છે. તેમનું જીવનશૈલી અને મહેનત યુવાનો માટે પ્રેરણારૂપ બની રહી છે.
દૃઢ નિશ્ચયથી મુશ્કેલીઓ પર વિજય
રામ બાંભવાની આ સિદ્ધિ સમગ્ર ગુજરાત તથા દેશના દિવ્યાંગ એથ્લીટ માટે મિસાલરૂપ છે. તેમની સફળતા દર્શાવે છે કે દૃઢ નિશ્ચય, મહેનત અને યોગ્ય માર્ગદર્શનથી કોઈપણ પડકારનો સામનો કરી સફળતા પ્રાપ્ત કરી શકાય છે. ખાસ કરીને, પીએમ નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા ખેલો ઈન્ડિયા કાર્યક્રમએ તેમની સફરને મજબૂત પાયા આપ્યો છે.
રાજકોટના પેરા પાવરલિફ્ટર રામ બાંભવાએ ચીનમાં યોજાયેલા વર્લ્ડ કપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. તેમની મહેનત, શિસ્તબદ્ધ જીવનશૈલી અને દૃઢ નિશ્ચય દરેક યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે.