Dahod Flood Update: પંચમહાલ- દાહોદમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી, જાંબુઘોડાથી પાવીજેતપુર સુધી જનજીવન ઠપ
Dahod Flood Update: પંચમહાલ તથા દાહોદ જિલ્લામાં ચોમાસાની જોરદાર એન્ટ્રી થઇ રહી છે. જાંબુઘોડા, હાલોલ, પાવીજેતપુર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. દાહોદના વસ્તી ગામમાં તો હાલ વિનાશક દ્રશ્યો જોવા મળે છે. અહીં રહેણાંક મકાનમાં કમરસમા પાણી ભરાઈ ગયા છે. યોગ્ય ડ્રેનેજ સિસ્ટમના અભાવમાં કોરીડોરમાં ભરાયેલા પાણી ઘરો તથા ખેતરોમાં ઘૂસી ગયા છે.
જાંબુઘોડા તથા હાલોલમાં જળબંબાકાર સ્થિતિ
જાંબુઘોડા તથા હાલોલ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી થઈ છે. મુખ્ય માર્ગો જળમગ્ન થઈ ગયા છે, જેના લીધે અવરજવર ઠપ્પ થઈ ગઈ છે. લોકોએ જીવના જોખમે પાણી ભરાયેલા રસ્તાઓ પાર કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
પાવીજેતપુરમાં પણ જળબંબાકાર સ્થિતિ
પાવીજેતપુરમાં માત્ર બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસી પડ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. પ્રાથમિક શાળા માર્ગ સહિત અનેક રસ્તાઓ જળમગ્ન બન્યાં છે. દુકાનમાં પાણી ઘૂસીને માલસામાન બરબાદ થયું છે.
નર્મદા જિલ્લામાં પણ ભરપુર વરસાદ
બીજી તરફ, નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદે તબાહી મચાવી છે. ભદામ, વડિયા, કરાંઠા, લાછરસ, માંગરોળ સહિત અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે. રાજપીપલા-ડભોઇ માર્ગ પર ભદામ ગામે પાણી ભરાતા રોડ બંધ કરવામાં આવ્યો છે. ઉપરાંત યાલ મોવી ગામે નાળું તૂટી જતા ડેડીયાપાડા-રાજપીપળા માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે નેત્રંગ મારફતે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
દાહોદ, પંચમહાલ તથા નર્મદા જિલ્લામાં હાલ વરસાદે તોફાન મચાવ્યું છે. અનેક ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોના ઘરોમાં પાણી ભરાયા છે, ખેતીનો માલસામાન તણાઈ ગયો છે અને રસ્તાઓ અવરોધિત થઈ ગયા છે. તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે.