ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન-ઇસરો તરફથી ચંદ્રયાન-2 ના લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમેરિકાની સંસ્થા નાસા પણ આ કાર્યમાં જોડાય ગઇ છે. હવે તો ગણતરીના 8 દિવસ સુધી સંપર્ક સાંધવાની કોશિષ ચાલુ રહી શકશે. દુનિયાભરમાંથી લોકો ઇસરોના ચંદ્રયાન-2 મિશનના વખાણ કરતાં થાકતાં નથી. લોકોની શુભેચ્છાઓની વચ્ચે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચ. ડી. કુમારસ્વામીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું.
કુમારસ્વામીએ વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું કે, ઇસરોના હેડક્વાર્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી લેન્ડર વિક્રમ માટે ‘અશુભ’ સાબિત થઈ. પીએમ મોદીની હાજરીના લીધે જ ચંદ્રયાન-2 મિશનના લેન્ડર વિક્રમનું સોફ્ટ લેન્ડિંગ નહોતું થઈ શક્યું.
કુમારસ્વામીએ મૈસૂરમાં એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે, હું નથી જાણતો પરંતુ સંભવત: ત્યાં તેમના પગલાં મૂકવાનો સમય ઇસરો વૈજ્ઞાનિકો માટે અપશુકન લઈને આવ્યા. તેઓએ કહ્યું કે, નરેન્દ્ર મોદી 6 સપ્ટેમ્બરે દેશના લોકોને એવો સંદેશ આપવા માટે બેંગલુરુ પહોંચ્યા કે ચંદ્રયાનના લોન્ચિંગ પાછળ તેમનો હાથ છે, જ્યારે આ પ્રોજેક્ટ 2008-2009 દરમ્યાનની યુપીએ સરકાર અને વૈજ્ઞાનિકોએ શરૂ કર્યો હતો.
કુમારસ્વામીએ કહ્યું કે, વૈજ્ઞાનિકોએ 10થી 12 વર્ષની અથાગ મહેનત કરી. ચંદ્રયાન-2 માટે કેબિનેટની મંજૂરી 2008-09માં આપવામાં આવી હતી અને આજ વર્ષે ફંડ ફાળવવામાં આવ્યું હતું. તેઓએ કહ્યું કે, વડાપ્રધાન ત્યાં પ્રચાર મેળવવા માટે આવ્યા જાણે ચંદ્રયાન-2નું લોન્ચિંગ તેમના કારણે થયું હોય.
ભારતના ચંદ્રયાન-2 મિશન હજુ પૂરું નથી થયું. ઇસરોના વૈજ્ઞાનિકોએ લેન્ડર વિક્રમને ફરી કાર્યરત કરવા માટે તમામ તાકત લગાવી દીધી છે. હવે આ અભિયાનમાં દુનિયાની સૌથી મોટું સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન નાસા પણ જોડાય ગઈ છે.