- 470 કરોડ રૂપિયાના નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને 450 કરોડના આઇજીએસટી રિફંડના દાવાઓનો પર્દાફાશ
- નિકાસકારોએ 3500 કરોડ રૂપિયાના નકલી ઇન્વોઇસીસ બનાવીને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કર્યો
ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી વિજિલન્સ (ડીજીજીઆઇ) અને ડિરેક્ટર રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ બનાવટી દસ્તાવેજોના આધારે જીએસટી રિફંડ લેનારાઓ સામે અત્યાર સુધીની સૌથી મોટી કામગીરી હાથ ધરી છે. 15 રાજ્યોમાં 336 સ્થળોએ દરોડા માટે 1200 અધિકારીઓ તૈનાત કરાયા હતા. એવું કહેવામાં આવે છે કે બંને વિભાગની ટીમોએ 470 કરોડ રૂપિયાના નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને 450 કરોડના આઇજીએસટી રિફંડના દાવાઓનો પર્દાફાશ કર્યો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર 11 સપ્ટેમ્બરે એક સાથે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી અને તે જ સમયે પાટનગર દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તેલંગાણા, પંજાબ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં એક સાથે ઘણા શહેરોમાં કાર્યવાહી કરવામાં આવી હતી. ડેટા વિશ્લેષણના આધારે અધિકારીઓને જાણ કરવામાં આવી હતી કે કેટલાક નિકાસકારો આઇજીએસટીના આધારે નિકાસ કરી રહ્યા છે અને બનાવટી અથવા ખૂબ ઓછી સપ્લાય બતાવીને સંપૂર્ણ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ રહ્યા છે.
અત્યાર સુધીની તપાસમાં જે આંકડા બહાર આવ્યા છે તેના અનુસાર આ રેકેટ સાથે સંકળાયેલા નિકાસકારોએ 3500 કરોડ રૂપિયાના નકલી ઇન્વોઇસીસ બનાવીને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કર્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ આ તમામ નિકાસકારોના માલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અહેવાલ મુજબ હજી કેટલાક દિવસો સુધી વધુ દરોડા પાડવામાં આવશે.
આ કેસની તપાસ કરી રહેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર આઇજીએસટી ફેક રીફંડ ક્લેમની રકમ 450 કરોડ રૂપિયાથી વધીને 750 કરોડ રૂપિયા થઈ શકે છે. અત્યાર સુધીની તપાસમાં, અધિકારીઓ આ સમગ્ર પ્રકરણના માસ્ટર માઇન્ડને જાણી શક્યા નથી. અધિકારીઓ કહેવા મુજબ તપાસ જેમ આગળ વધશે તેમ તેમ તેમની પકડ પણ મજબૂત બનશે.
આઈજીએસટી એ રાજ્યો વચ્ચેના માલના સપ્લાય પરનો ટેક્સ છે. કોઈપણ માલની આયાત અને નિકાસ આ હેઠળ છે. આ ટેક્સ કેન્દ્રને આપવામાં આવે છે અને પછીથી તે રાજ્યોમાં વહેંચવામાં આવે છે. તેમજ ઇનપુટ ટેક્સ ક્રેડિટ કાચા માલ પરના સપ્લાયર દ્વારા ચૂકવવામાં આવતા કર પર પાછળથી માંગવામાં આવતું રિફંડ છે. સામાન્ય રીતે, નિકાસકારો અને સપ્લાયર્સ રોકડ અને અન્ય રીતે કર ચૂકવે છે, પરંતુ આ નિકાસકારોએ કર ચૂકવવા માટે એક રૂપિયો પણ રોકડમાં જમા કરાવ્યો ન હતો. આ નિકાસકારોએ વધુ ઇનપુટ ટેક્સ ક્રેડિટ વધુ આપી હતી પરંતુ દાવો ખૂબ ઓછો કર્યો હતો. આથી તેઓ એજન્સીઓના રડાર પર આવી ગયા હતા.