Amit Shah “હિન્દી બધી ભાષાની મિત્ર છે, દુશ્મન નહીં”: અમિત શાહ
Amit Shah ભારતના વિવિધ રાજ્યોમાં ભાષા આધારિત વિરોધ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે હિન્દી કોઈપણ ભારતીય ભાષાની વિરોધી નથી, પણ સહયોગી છે. દેશની તમામ ભાષાઓ ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિ અને એકતાનું પ્રતિક છે.
તેમણે વધુમાં જણાવ્યું કે હવે JEE, NEET અને CUET જેવી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પરીક્ષાઓ કુલ 13 ભાષાઓમાં લેવામાં આવે છે. અગાઉ ઉમેદવારો પાસે ફક્ત હિન્દી અને અંગ્રેજી જેવી મર્યાદિત વિકલ્પો જ હતા, પરંતુ હવે CAPF કોન્સ્ટેબલ ભરતી સહિત અનેક પરીક્ષાઓમાં માતૃભાષાનો વિકલ્પ ઉપલબ્ધ છે.
અમિત શાહે જણાવ્યું કે આજે 95% ઉમેદવારો તેમની માતૃભાષામાં પરીક્ષાઓ આપી રહ્યા છે. “આ દર્શાવે છે કે માતૃભાષામાં શિક્ષણ અને પરીક્ષાનો વિકલ્પ મળવાથી વિદ્યાર્થીઓ વધુ આત્મવિશ્વાસભેર અને સરળતાથી પોતાનું ભવિષ્ય બનાવી શકે છે,” તેમ તેમણે ઉમેર્યું.
“ભાષાઓના આધારે વિભાજન કરવાનો પ્રયાસ નિષ્ફળ જશે”
ગૃહમંત્રીએ ભારતના ઈતિહાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે વર્ષો પહેલા દેશને ભાષાના આધાર પર વિભાજિત કરવાનો પ્રયાસ થયો હતો, જે સફળ ન થયો. “ભારતની ભાષાઓ આપણા દેશની સંસ્કૃતિ, પરંપરા અને એકતાનું પ્રતિક છે. હવે આપણું લક્ષ્ય એ છે કે ભાષાઓ દેશને તોડવા નહીં, પણ જોડવા માટેનો પુલ બને,” એમ અમિત શાહે સ્પષ્ટ કહ્યું.
રાજ્યો સાથે સમન્વયનો પ્રયાસ, કામકાજમાં પણ સ્થાનિક ભાષાઓનો ઉપયોગ વધારવાનો ઉદ્દેશ
અમિત શાહે વધુમાં જણાવ્યું કે સરકારનું ધ્યેય છે કે માત્ર કેન્દ્રમાં નહીં, પણ તમામ રાજ્યોમાં પણ સ્થાનિક ભાષાઓનો સરકારી કામકાજમાં ઉપયોગ વધારવો જોઈએ. “અમે રાજ્યો સાથે વાત કરીશું અને તેમને પ્રોત્સાહન આપીશું કે તેઓ પણ તેમની સ્થાનિક ભાષાઓને સરકારી તંત્રમાં વધુ સારી રીતે લાગુ કરે,” એમ તેમણે કહ્યું.
અમિત શાહનું આ નિવેદન એ દર્શાવે છે કે કેન્દ્ર સરકાર દરેક ભારતીય ભાષાને મહત્વ આપે છે અને હિન્દીનું સ્થાન દેશની એકતાને બળ આપનાર ભાષા તરીકે જોઈ રહી છે, ન કે વિવાદજનક સાધન તરીકે.