Gujarat Rain Alert મેઘરાજાનું તોફાની સ્વાગત, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Alert ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી બાદ હવામાન વિભાગે 28 જૂન માટે રાજ્યના 13 જેટલા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે ચેતવણી આપી છે. હવામાન વિભાગ મુજબ ચોમાસાની સિસ્ટમ વધુ સક્રિય બનતી જાય છે, જેના કારણે ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં મોડી સાંજથી ભારે વરસાદ શરૂ થઈ શકે છે.
ઓરેન્જ એલર્ટ: આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના
રાજ્યના ચાર જિલ્લાઓ – કચ્છ, બનાસકાંઠા, જામનગર અને દેવભૂમિ દ્વારકા – માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને આગોતરા પગલાં લેવા સૂચના આપી છે. માર્ગ અવરોધ, વીજળી ખોરવાઈ જવાની શક્યતા, અને નદીઓમાં પાણીના સ્તર વધવાની પણ શક્યતા છે.
યલો એલર્ટ: આ વિસ્તારોમાં પણ ખાસ સાવચેતી રાખવી જરૂરી
હવામાન વિભાગે રાજકોટ, મોરબી, પાટણ, સાબરકાંઠા, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે, ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન અને નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
આગામી દિવસોમાં વરસાદની મોજ રહેવાની શક્યતા
- 29-30 જૂન: કચ્છ, અમરેલી, તાપી, નર્મદા સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
- 1 જુલાઈ: નવસારી અને વલસાડ માટે ઓરેન્જ એલર્ટ જ્યારે અન્ય જિલ્લાઓ માટે યલો એલર્ટ.
- 2-3 જુલાઈ: ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, મહીસાગર, સાબરકાંઠા માટે ઓરેન્જ એલર્ટ છે. રાજ્યના કુલ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
સ્થાનિક તંત્ર અને નાગરિકો માટે સૂચના
જળ ભરાવાની સ્થિતિ, વીજળી પડવાના કિસ્સા અને રોડ અવરોધને ધ્યાનમાં રાખી હવામાન વિભાગે લોકોને બહાર જતા પહેલાં જરૂરી સાવચેતી રાખવા અને સ્થાનિક તંત્રના સૂચનો અનુસરવા વિનંતી કરી છે.