Gujarat Heavy Rain Alert: શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ
Gujarat Heavy Rain Alert: રવિવાર, 29 જૂનના રોજ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસાએ સારું મંડાણ કર્યું છે. શહેરમાં સવારથી વરસાદી વાતાવરણ છવાયું છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી નદી-નાળાં જીવંત થયા છે. ખાસ કરીને વિરમગામ અને માંડલ વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે, જ્યાં માત્ર દોઢ કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ વરસતાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.
રોડ પર પાણી અને નગરપાલિકાની બેદરકારી
વિરમગામના ભરવાડી દરવાજા, ગોલવાડી દરવાજા અને પરકોટા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન બન્યા હતા. વરસાદે શહેરના નગરપાલિકા તંત્રની પ્રિ-મોન્સૂન તૈયારીની પોલ ખોલી નાખી છે. આ ઉપરાંત, ગામડાઓમાં પણ ભોજવા, ડુમાણા, હાંસલપુર, જુનાપાઘર, નીલકી અને વલાણા જેવી જગ્યાઓએ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.
માંડલમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
માંડલ શહેરમાં સતત વરસાદને કારણે મામલતદાર કચેરી, દસાડા રોડની સોસાયટીઓ અને ચબૂતરા ચોક જેવા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. નગરપાલિકા દ્વારા પૂરતી નિકાસ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મહેસાણાના કડીમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો
કડી શહેરમાં બપોરે 12થી 2 વચ્ચે માત્ર બે કલાકમાં જ 63 મીમી (અંદાજે 2.5 ઇંચ) વરસાદ ખાબક્યો. જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ટ્રાફિકમાં અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી.
22 જિલ્લાઓ માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આજે રાજ્યના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીરસોમનાથ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ સહિત 22 જિલ્લામાં ભારે વરસાદની શકયતા વ્યક્ત કરી છે. સાથે જ યલો એલર્ટ પણ જાહેર કરાયું છે.
રાજ્યમાં ચોમાસાની સક્રિયતા વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પરંતુ શહેરી વિસ્તારોમાં નિકાસ વ્યવસ્થાની ખામીના કારણે મુશ્કેલીઓ પણ વધી રહી છે. વરસાદી આગાહી પ્રમાણે આગામી કેટલાક દિવસો ભારેથી અતિભારે વરસાદ માટે તંત્ર અને નાગરિકો બંનેએ તૈયારી રાખવી જરૂરી બની છે.