Sawan 2025 ભદ્રા પછી મળશે ભગવાન શિવની કૃપા, જાણો પૂજાનો સાચો સમય
Sawan 2025: હિંદુ ધર્મ અનુસાર શ્રાવણ મહિનો ભગવાન શિવને અતિપ્રિય છે. આ મહિના દરમિયાન શિવ ભક્તો ઉપવાસ, રુદ્રાભિષેક, શિવ સ્તોત્ર પાઠ અને દાનપૂણ્યથી ભક્તિ પ્રગટાવે છે. ખાસ કરીને શ્રાવણના સોમવારે શિવ પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ વર્ષે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર 14 જુલાઈ 2025ના રોજ આવી રહ્યો છે, જે ભક્તો માટે અત્યંત શુભ માનવામાં આવે છે.
શ્રાવણ માસ શરૂ થવાની તારીખ અને સોમવારો
દૃક પંચાંગ મુજબ, શ્રાવણ માસ 11 જુલાઈ 2025થી શરૂ થઈ રહ્યો છે અને 09 ઓગસ્ટ 2025 સુધી ચાલશે. આ મહિનાના પ્રથમ સોમવારની તારીખ 14 જુલાઈ છે. શ્રાવણના સોમવારોના અનુક્રમ મુજબ:
- પ્રથમ સોમવાર: 14 જુલાઈ
- બીજો સોમવાર: 21 જુલાઈ
- ત્રીજો સોમવાર: 28 જુલાઈ
- ચોથો સોમવાર: 04 ઓગસ્ટ
આ ચારેય સોમવારે ભગવાન શિવની આરાધનાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ વધે છે.
ભદ્ર કાળ અને શુભ મુહૂર્ત વિશે વિગત
શ્રાવણના પહેલા સોમવારના પૂર્વ દિવસે એટલે કે 13 જુલાઈના બપોરે 01:26 વાગ્યે ભદ્રા કાળ શરૂ થશે અને 14 જુલાઈના વહેલી સવારે 01:02 વાગ્યે સમાપ્ત થશે. એટલે કે, ભગવાન શિવની પૂજા માટેનો સમય ભદ્રા કાળ પૂર્ણ થયા પછી શરૂ થશે. ભદ્રા કાળને હિંદુ ધર્મમાં અશુભ માનવામાં આવે છે અને આ સમય દરમિયાન કોઈપણ શુભ કાર્ય જેમ કે પૂજા, યજ્ઞ, લગ્ન કે નવગ્રહ શાંતિ કરવી યોગ્ય માનાતી નથી.
શિવ પૂજા માટે ભદ્રા પછીનો સમય શુભ ગણાય છે, જેથી 14 જુલાઈના દિવસ દરમિયાન કોઈ વિઘ્ન વિના શિવ આરાધના કરી શકાય છે.
સોમવારના દિવસે શિવજીની ભક્તિથી દરેક પ્રકારના દુઃખ દૂર થાય છે. 2025માં, શ્રાવણના પહેલા સોમવારે ભદ્રાનો અશુભ સમય પૂજા પહેલા જ સમાપ્ત થઈ રહ્યો છે, જે ભક્તો માટે શુભ સંકેત છે. આ દિવસે ભાવપૂર્વક શિવ પૂજા કરવાથી ભક્તને અનંત ફળની પ્રાપ્તિ થાય છે.