PM Modi Trinidad Visit PM મોદી ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાતે જશે, જ્યાંથી 180 વર્ષ પહેલાં ભારતીયોએ સમુદ્ર પાર કર્યો હતો
PM Modi Trinidad Visit પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 અને 4 જુલાઈ 2025ના રોજ ત્રિનિદાદ અને ટોબેગાની ઐતિહાસિક મુલાકાત પર રહેશે. 1999 પછી પહેલીવાર કોઈ ભારતીય વડાપ્રધાન આ કેરેબિયન દેશમાં સત્તાવાર રીતે જઈ રહ્યો છે. આ પ્રવાસ માત્ર રાજકીય નથી, પરંતુ 180 વર્ષ પહેલાં અહીં આવેલા કરારબદ્ધ ભારતીય મજૂરોને શ્રદ્ધાંજલિ રૂપે પણ જોવામાં આવી રહ્યો છે.
30 મે 1845ના રોજ ‘ફતેહ-અલ-રઝાક’ નામના જહાજમાં 225 ભારતીય મજૂરો ત્રિનિદાદ ખાતે આવ્યા હતા. તેમના મોટા ભાગના વંશજ આજે ત્રિનિદાદ અને ટોબેગાની વસ્તીનો 45% ભાગ છે અને વિવિધ ક્ષેત્રોમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
વિદેશ મંત્રાલય અનુસાર, PM મોદી ત્રિનિદાદના રાષ્ટ્રપતિ ક્રિસ્ટીન કાર્લા કંગાલુ અને વડાપ્રધાન કમલા પ્રસાદ-બિસેસર સાથે મુલાકાત કરશે. તેઓ ત્યાંના સંસદના સંયુક્ત સત્રને સંબોધન પણ કરશે અને ભારતીય સમુદાય સાથે સંવાદ કરશે. નોંધનીય છે કે દેશના બંને ટોચના નેતાઓ ભારતીય મૂળની મહિલાઓ છે, જે ભારત સાથેના પોતાના સંબંધો પર ગર્વ અનુભવે છે.
આ મુલાકાતનો મુખ્ય હેતુ માત્ર રાજકીય સંબંધો મજબૂત કરવાનો નથી, પણ ભારત અને તેની ડાયસ્પોરા વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો પુનઃસ્થાપિત કરવાનો છે. CARICOM (કેરેબિયન સમુદાય) દેશો સાથેના સહયોગને પણ આ મુલાકાત દ્રઢ બનાવશે.
પ્રધાનમંત્રીની હાજરીમાં વિવિધ વિકાસલક્ષી કરારો, જેમ કે આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ અને ડિજિટલ ક્ષેત્રે સહયોગ પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. ડાયસ્પોરા ડિપ્લોમસી દ્વારા વિશ્વભરમાં ભારતીયો સાથેના સંબંધો વધુ મજબૂત બનાવવાના દ્રષ્ટિકોણથી આ પ્રવાસ અત્યંત મહત્વનો બની રહેશે.