Mohammed Shami Alimony: હાઈકોર્ટના આદેશ બાદ હસીન જહાંના વકીલનું નિવેદન,”2018થી ભટકતી હતી, હવે ન્યાય મળ્યો”
Mohammed Shami Alimony: ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમીને કોલકાતા હાઈકોર્ટથી મોટો ઝટકો મળ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહેલા લગ્ન વિવાદમાં હાઈકોર્ટએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે શમીએ પોતાની પત્ની હસીન જહાં અને પુત્રીના ભરણપોષણ માટે દર મહિને ₹4 લાખ ચૂકવવાના રહેશે. આ રકમમાં હસીન જહાં માટે ₹1.5 લાખ અને પુત્રી માટે ₹2.5 લાખનો સમાવેશ થાય છે.
2018થી ન્યાયની લડત લડી રહી હતી હસીન
હસીન જહાંના વકીલ ઇમ્તિયાઝ અહેમદે જણાવ્યું કે, “હસીન 2018થી ન્યાય માટે ઘૂમતી રહી. આ દિવસ તે માટે એક મોટી રાહત લાવનાર છે. અત્યાર સુધીના સંઘર્ષને આજે હાઈકોર્ટના આદેશથી ન્યાય મળ્યો છે.” વકીલે ઉમેર્યું કે, “ટ્રાયલ કોર્ટને હાઈકોર્ટે છ મહિનામાં મુખ્ય અરજીનો નિર્ણય આપવા કહ્યું છે. અમારું માનવું છે કે ભવિષ્યમાં આ રકમ વધીને ₹6 લાખ સુધી પહોંચી શકે છે, કારણ કે હસીને પોતાની અરજીમાં કુલ ₹10 લાખની માંગણી કરી છે.”
અગાઉના ચુકાદાને પડકારતી હસીન હાઈકોર્ટ પહોંચી હતી
2018માં અલીપોર કોર્ટએ શમીને દર મહિને ₹1.3 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો – જેમાંથી હસીન માટે ₹50,000 અને પુત્રી માટે ₹80,000નો સમાવેશ થતો હતો. પરંતુ હસીન આ ચુકાદાથી અસંતોષિત રહી અને કોલકાતા હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
હાઈકોર્ટનો તાજો નિર્ણય
હાઈકોર્ટએ હસીનની દલીલોને માન્યતા આપી અને શમીને વધુ રકમ ચૂકવવાનો આદેશ આપ્યો. સાથે જ નોંધ્યું કે જ્યારે પણ પુત્રીને શિક્ષણ કે તબીબી સહાયની જરૂર પડશે, શમી તેનો ખર્ચ ઉઠાવશે.
આ નિર્ણય ભારતના ક્રિકેટર માટે કાયદાકીય રીતે મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે, અને હસીન જહાં માટે લાંબા સંઘર્ષ બાદ ન્યાયની આશા બની રહ્યો છે.