Gujarat Rain Forecast ગુજરાતમાં યલો એલર્ટ: આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast ગુજરાત રાજ્યમાં ફરી એક વખત મેઘરાજાની ઝમઝમાટની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ આગામી સાત દિવસ માટે રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી છે. એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં અવિરત વરસાદ વરસી શકે છે.
આજે ખાસ કરીને રાજ્યના 9 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીનો સમાવેશ થાય છે. તો સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં પણ યલો એલર્ટ છે.
જૂન મહિનામાં સિઝનનો સર્વાધિક વરસાદ
હવામાન વિભાગના ડેટા મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ વરસાદ આ વર્ષે જૂન મહિનામાં નોંધાયો છે. સામાન્ય રીતે જૂનમાં 15 થી 20 ટકા વરસાદ નોંધાય છે, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ સિઝનનો 38 ટકા વરસાદ થઈ ચુક્યો છે.
રાજ્યના તમામ ઝોનમાં 30 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ 18 જળાશયો ઓવરફ્લો થયા છે, અને 4 તાલુકાઓમાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 34 તાલુકામાં 20 થી 40 ઈંચ, 109 તાલુકામાં 10 થી 20 ઈંચ, 77 તાલુકામાં 5 થી 10 ઈંચ અને 25 તાલુકામાં 2 થી 5 ઈંચ વરસાદ થયો છે. જ્યારે માત્ર 2 તાલુકા – પાટણનો રાધનપુર અને બનાસકાંઠાનો સૂઈગામ – એવા છે જ્યાં માત્ર 2 ઈંચ વરસાદ થયો છે.
સૌથી વધુ વરસાદ ઇડર અને ધાનેરામાં
રાજ્યના કુલ 164 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠાના ઇડરમાં પોણા છ ઈંચ અને બનાસકાંઠાના ધાનેરામાં સાડા ચાર ઈંચ વરસાદ થયો છે. જામનગરના જોડીયામાં ચાર ઈંચ અને રાજકોટના જામકંડોરણામાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.
હવે, આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે એવી શક્યતા છે. લોકો અને ખેતી કાર્ય પર અસર જણાઈ શકે છે તેથી દરેકે સાવચેતી રાખવી અનિવાર્ય છે.