Mundra Rain રાજ્યના નવ જિલ્લામાં યલો એલર્ટ
Mundra Rain કચ્છના મુન્દ્રા તાલુકામાં ગુરુવારે રાત્રે ધોધમાર વરસાદ વરસતાં જીવન વ્યવસ્થામાં ખલેલ પહોંચ્યો હતો. માત્ર બે કલાકમાં ચાર ઈંચ વરસાદ પડતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. મુન્દ્રા શહેર અને આજુબાજુના ગામડાઓમાં રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર અસરગ્રસ્ત બન્યો. એક તરફ ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને રાહત મળી છે, તો બીજી તરફ શહેરોમાં પાણી ભરાવાને કારણે જનજીવન ખોરવાયું છે.
ભુજ, ગાંધીધામ અને અંજારમાં પણ ભારે વરસાદ
કચ્છના અન્ય વિસ્તારોમાં પણ મેઘરાજા ખુશ દેખાયા. ભૂજમાં વીજળીના ચમકાટ સાથે વરસાદ પડ્યો અને બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ. ગાંધીધામમાં પણ 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો. અહીં રેલવે સ્ટેશન અને ગાંધીધામ-ભચાઉ હાઈવે જેવા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. અંજાર વિસ્તારમાં પણ ભારે વરસાદ પડતાં હાલાકી ઉભી થઈ હતી.
જામનગર નજીકના દરેડ ખાતે આવેલ ખોડીયાર માતાનું મંદિર પણ વરસાદી પાણીથી ઘેરાઈ ગયું. ઉપરવાસના વરસાદ અને રંગમતી ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે મંદિર આસપાસ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
રાજ્યમાં યલો એલર્ટ: આગામી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે આવતા સાત દિવસ ભારે થી અતિભારે વરસાદ વરસી શકે છે. આજે ગુજરાતના નવ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી, સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીનો સમાવેશ થાય છે.
જૂનમાં રેકોર્ડવરસાદ, સૌથી વધુ વરસ્યું
આ વર્ષે જૂન મહિનામાં ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે જૂનમાં રાજ્યમાં 15-20% વરસાદ વરસે છે, જ્યારે આ વર્ષે માત્ર 15 દિવસમાં જ કુલ સીઝનના અંદાજે 38% વરસાદ થઈ ચૂક્યો છે. આ કારણે અનેક ડેમ ઓવરફ્લો થયા છે અને ખેતી માટે અનુકૂળ માહોલ ઊભો થયો છે.