અમરોલી-ન્યુ કોસાડ રોડ વિસ્તારમાં પ્રેમલગ્ન કરનાર વકીલે દારૂના નશામાં પત્નીને શારિરીક-માનસિક ત્રાસ આપી છુટાછેડા આપવા માટે રૂા. 20 લાખની માગણી કરતા મામલો અમરોલી પોલીસ મથકમાં પહોંચ્યો છે.
સરથાણા નજીકના વાલક ગામની મિત્તલ હસમુખ પાનસેરીયાએ વર્ષ 2011 ના જુન મહિનામાં વકીલ અનિલ કાળુભાઇ માંગુકીયા (રહે. સરદાર નગર સોસાયટી, ન્યુ કોસાડ રોડ, અમરોલી) સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આઠ વર્ષના દાંમ્પત્યજીવન દરમ્યાન પાંચ વર્ષનો પુત્ર રુદ્ર છે.
માતા-પિતાની મરજી વિરૂધ્ધ પ્રેમલગ્ન કરનાર મિત્તલનું લગ્નજીવન એક વર્ષ સુધી સુખેથી પસાર થયું હતું પરંતુ ત્યાર બાદ પતિ અનિલ નાની-નાની બાબતોએ ઝઘડા કરતો હતો અને દારૂના નશામાં આવી માર પણ મારતો હતો. મિત્તલને તેના સાસુ-સસરા બચાવવા માટે વચ્ચે પડે તો તેમને પણ અનિલ અપશબ્દો ઉચ્ચારતો હતો અને પાંચ વર્ષના માસુમ પુત્રને પણ માર મારતો હતો.
માતા-પિતાની મરજી વિરૂધ્ધ લગ્ન કરનાર મિત્તલ પતિના ત્રાસથી કંટાળી જતા અનિલ સમક્ષ છુટાછેડાની માંગણી કરી હતી પરંતુ અનિલે છુટાછેડા આપવા માટે તેના માતા-પિતા પાસેથી રૂા. 20 લાખ લઇ આવવાની માંગણી કરતા મિત્તલની હાલત કફોડી થઇ હતી.
જો કે પતિના અમાનવીય વલણ સામે મિત્તલની પડખે તેના સાસુ-સસરા રહેતા હતા. જોકે અનિલના રોજબરોજના અત્યાચાર વધતા જતા હોવાથી સસરા કાળુભાઇએ મિત્તલના પિતા હસમુખભાઇને જાણ કરતા તેઓ મિત્તલ અને પુત્ર રુદ્રને પોતાની સાથે લઇ ગયા હતા. ત્યાર બાદ સમાજના આગેવાનોની મધ્યસ્થીમાં સમાધાન કરતા મિત્તલ પુનઃ સાસરે રહેવા ગઇ હતી. પરંતુ ત્યાર બાદ પણ અનિલે મિત્તલ પર શારિરીક-માનસિક ત્રાસ ગુજારવાનું ચાલુ રાખતા છેવટે કંટાળીને પતિ અનિલ વિરૂધ્ધ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.