Women Empowerment Event Vadodara: ‘શક્તિ’ કાર્યક્રમ દ્વારા મહિલાઓના આત્મવિશ્વાસને બળ
Women Empowerment Event Vadodara: વડોદરામાં ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઈઝેશન (GEO) દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ માટે આયોજિત ‘શક્તિ – Igniting the Power Within’ કાર્યક્રમમાં મહિલા શક્તિનો ઉદ્ઘોષ થયો. આ પ્રસંગે 52 જેટલાં બાળલગ્ન રોકાવનાર અને સમાજસેવી ડો. કૃતિ ભારતીએ બાળલગ્ન સામે મંતવ્ય રજૂ કર્યું.
13 વર્ષથી બાળલગ્નના વિરુદ્ધ લડત આપી રહી છે ડો. કૃતિ
જોધપુરની સારથી ટ્રસ્ટની સ્થાપિકા અને રિહેબિલિટેશન ફી-સાયકોલોજિસ્ટ ડો. કૃતિ ભારતીએ જણાવ્યું કે, દેશના વિવિધ રાજ્યો અને સમાજોમાં આજે પણ બાળલગ્ન થાય છે. “હું છેલ્લા 13 વર્ષથી આ દુષણ સામે લડી રહી છું,” એમ જણાવી, તેમણે કહ્યું કે દરેક કાર્યક્રમમાં બાળલગ્ન વિરોધી શપથ લેવડાવતી હોઉં છું. 52 જેટલાં બાળલગ્ન રોકાવાની સફળતા બદલ તેમને અનેક મંચો પર સન્માનિત કરવામાં આવ્યા છે.
“સ્ત્રી માટે અશક્ય કંઈ નથી”: ડો. કૃતિ ભારતીએ જીવનસંઘર્ષનું કર્યું વર્ણન
તેમણે ભાવુકપણે જણાવ્યું કે તેમનો જન્મ વડોદરામાં થયો હતો અને બાળપણથી જીવનમાં પડકારોનો સામનો કર્યો. “નાસીપાસ નહીં, સામનો કર્યો અને આજે આ મંચ પર છું,” એમ તેમણે જણાવ્યું. “સ્ત્રી માટે કોઈ પણ કામ અશક્ય નથી,” એમ ઉમેરતાં તેમણે દરેક મહિલાને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા પ્રેરણા આપી.
GEO સંસ્થા: 45 વર્ષથી કામદારો અને ઉદ્યોગોની વચ્ચે સંવાદનુ પુલ
GEOના પ્રમુખ નિરજ પટેલે માહિતી આપી હતી કે તેમની સંસ્થા છેલ્લા 45 વર્ષથી રાજ્ય સરકાર અને ઉદ્યોગ જગત વચ્ચે સકારાત્મક સંબંધો જાળવી રહી છે. 300થી વધુ સભ્યો ગુજરાતભરના વિવિધ શહેરોમાં સક્રિય છે.
તેમણે જણાવ્યું કે GEO ખાસ કરીને મહિલાઓના સશક્તિકરણ માટે શૈક્ષણિક, આર્થિક અને સામાજિક રીતે મદદરૂપ બનવા પ્રયાસશીલ છે. છેલ્લા 7 વર્ષથી ‘શક્તિ’ કાર્યક્રમની શ્રેણી ચાલી રહી છે અને આ વર્ષે તેની 5મી આવૃત્તિનું સફળ આયોજન થયું.
માન-સન્માન સાથે સમાપ્ત થયેલું ઉમદા આયોજન
આ ઉદ્ઘાટન સમારંભ વડોદરાની એક હોટેલમાં યોજાયો હતો, જ્યાં GEOની એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. અમિતા જસપાલે 250થી વધુ હાજર મહિલાઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું.
કાર્યક્રમમાં પર્સનલ ડેવલપમેન્ટ, સાયકોલોજી અને લીડરશીપ ક્ષેત્રે પ્રખર મેજર વંદના શર્મા, ડો. હિના શાહ, મિસ નેહા યાદવ સહિતની હાજરી રહી હતી.
સમારંભના અંતે વડોદરાની સમાજસેવી અને ઉત્કૃષ્ટ મહિલાઓને ખાસ રીતે સન્માનિત કરવામાં આવી.