Waterlogging in Farmlands : ખેતરોની હાલત નદી કે તળાવ જેવી, ખેડૂતો પાણીમાં ઉભા રહેવા મજબૂર
Waterlogging in Farmlands : સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના કમલપુર ગામના ખેડૂતોએ ફરી એકવાર વરસાદથી ભારે નુકસાન ભોગવવું પડ્યું છે. નર્મદા કેનાલના નિર્માણ બાદ છેલ્લા 6-7 વર્ષથી દર ચોમાસે અહીં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોએ ઉભા પાકમાં મોટું નુકસાન સહન કરવું પડે છે.
ગામના અંદાજે 15-20 ખેડૂતોએ જણાવ્યું કે દરેક વર્ષે લગભગ 500 વિઘા જેટલી ખેતીની જમીનમાં 3 ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે. તેઓએ એરંડા અને કપાસ જેવા પાક વાવ્યા હતા, પણ વાવેતર બાદ પાણી ભરાતા આખો પાક બગડી ગયો છે. આશરે 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
કેનાલ ફાયદાને બદલે બન્યું પાક નુકસાનનું કારણ
જ્યાં પહેલાં ચોમાસુ આવતા જ વરસાદી પાણીના નિકાલ માટે કુદરતી માર્ગ હતો, ત્યાં હવે નર્મદા કેનાલ આવી ગઈ છે. પરંતુ કેનાલ સાથે યોગ્ય ડ્રેનેજ ન હોવાથી, પાણી કેનાલની આજુબાજુ જ ઉભું રહી જાય છે. પરિણામે ખેડૂતોના ખેતરો નદી જેવી દેખાય છે.
“દર વર્ષે એવું જ થાય છે સાહેબ, પણ કોણ સાંભળે?”
સ્થાનિકોએ કહ્યું કે એ તસવીરો કોઈ ડેમની નથી, એ તો અમારા ખેતરો છે જ્યાં ચારેય બાજુ પાણી જ પાણી છે. ગામના ઘણા વિસ્તારોમાં પાણી નિકળે એવો માર્ગ નથી બચ્યો. આવું જો ચાલુ રહ્યું તો ખેતી કરવી બંધ કરી દઈએ તેવી સ્થિતિ છે.
ખેડૂતોએ મામલતદારને રજૂઆત કરી, ધારાસભ્યએ પણ આપ્યું આશ્વાસન
ખેડૂતોએ પાટડીના મામલતદારને મળીને તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરી છે. ધારાસભ્ય પી.કે. પરમારની હાજરીમાં આ બાબત રાજ્ય સરકાર સુધી પહોંચાડવાનો વિશ્વાસ આપવામાં આવ્યો છે. પણ ખેડૂતો હવે એ તરફ જોવાનું છે કે અસરકારક નિર્ણય ક્યારે લેવાશે.
ખેડૂતોની માંગ છે કે કેનાલથી થતા પાણી ભરાવ માટે સિસ્ટમ ઊભી કરવામાં આવે. પાણીના નિકાલ માટે નાળા કે પમ્પિંગ મશીનો લગાવાની પણ માંગ કરી છે, જેથી દર વર્ષે આવું ન બને…