Amla Farming Profit: ઓછી મહેનત, વધુ નફો: આમળાના 60 છોડમાંથી લાખોનું ઉત્પાદન
Amla Farming Profit: અમદાવાદ જિલ્લાના મીરોલી ગામના કૃપેશભાઈ પંડ્યાએ પરંપરાગત ખેતીથી આગળ વધી બાગાયત ખેતીમાં પગ મૂકી સફળતા મેળવી છે. આજે તેઓ પોતાના ફાર્મમાં 60થી 70 જેટલા આમળાના વૃક્ષો ઉગાડી રહ્યા છે અને દર વર્ષે અંદાજે 2.5 થી 3 લાખ રૂપિયાની શુદ્ધ આવક હાંસલ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે, આમળાના ઝાડ એક વખત વાવ્યા પછી લાંબા સમય સુધી ઉપયોગી રહે છે અને તાત્કાલિક કોઈ ખાસ ખર્ચ પડતો નથી.
રિટેલ અને હોલસેલમાં વેચાણથી ઊંચો નફો
તેમના જણાવ્યા મુજબ, દરેક ઝાડમાંથી દર વર્ષે ઓછામાં ઓછું ₹3,000થી ₹4,000નું ઉત્પાદન મળે છે. આમળાનું વેચાણ તેઓ અમદાવાદની વિવિધ સોસાયટીઓમાં સીધું રિટેલ દ્વારા કરે છે, જ્યારે વધારાનું માલ જમાલપુર માર્કેટમાં જથ્થાબંધ વેચે છે. હાલ પણ દર કિલોની કિંમત ₹50 છે, જેનાથી તેઓ સ્થિર આવક મેળવી રહ્યા છે.
ઝાડ પાછળ નગણ્ય ખર્ચ, માત્ર ઉપાડ સમયે લેબર ખર્ચ
કૃપેશભાઈનું માનવું છે કે આમળાની ખેતીમાં દરરોજની મહેનતની જરૂર નથી. સામાન્ય રીતે ઉનાળામાં પણ જો સિંચાઈ ન થાય તો પણ પાક યથાવત રહે છે. માત્ર ફળ ઉતારવાના દિવસોમાં થતો લેબર ખર્ચ સિવાય અન્ય કોઈ નાણાકીય ભાર નથી. એટલે અન્ય ખેતીની તુલનાએ આ પ્રકારની ખેતી વધુ સચોટ છે.
દેશી આમળા અને ગોરસ આમલીનો ઉમેરો, આવકમાં વધારો
આમળા ઉપરાંત તેઓ શેઢા વિસ્તારમાં દેશી જાતના આમળા અને ગોરસ આમલી પણ ઉગાડી રહ્યા છે. આ બંને પણ સીઝનમાં રિટેલ વેચાણ માટે ખૂબ લોકપ્રિય છે અને તેનાથી વધુ આવક મેળવવામાં તેમને સહાય મળી રહી છે.
આમળાની ખેતી એ હવે ફક્ત ઔષધીય મહત્વ પૂરતી નથી રહી, પણ નફાકારક ખેતીનો મોડેલ બની ગઈ છે. કૃપેશભાઈ પંડ્યાની આ સફર ઘણીવિધ ખેડૂતો માટે પ્રેરણા રૂપ બની શકે છે—વિશેષ કરીને તેમના માટે જેઓ ઓછી મહેનત અને લાંબા ગાળાના ફાયદા સાથે ખેતી કરવાનું વિચારી રહ્યા છે.