યુટિલિટી ડેસ્કઃ સામાન્ય રીતે, તમે ફક્ત તમારાં બેંક ખાતામાં રહેલાં બેલેન્સમાંથી જ પૈસા ઉપાડી શકો છો. પરંતુ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તેના ગ્રાહકોને બેંક ખાતામાં રહેલાં બેલેન્સ કરતાં વધુ પૈસા ઉપાડવાની સુવિધા આપે છે. બેંક આ સુવિધા ઓવરડ્રાફ્ટ ફેસિલિટી તરીકે પ્રદાન કરે છે. ચાલો જાણીએ ઓવરડ્રાફ્ટ સુવિધા શું છે અને તેનો લાભ કેવી રીતે લઈ શકાય.
ઓવરડ્રાફ્ટ ફેસિલિટી શું છે?
ઓવરડ્રાફટ એ એક પ્રકારની લોન છે. તેના કારણે ગ્રાહકો પતાના બેંક અકાઉન્ટમાં રહેલાં બેલેન્સ કરતા વધુ પૈસા ઉપાડી શકે છે. આ વધારાના પૈસા ચોક્કસ સમયગાળાની અંદર ભરપાઈ કરવા પડે છે અને તેની પર વ્યાજ પણ લાગે છે. વ્યાજની ગણતરી દૈનિક ધોરણે કરવામાં આવે છે. ઓવરડ્રાફ્ટ ફેસિલિટી કોઈપણ બેંક અથવા નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC) આપી શકે છે. તમને મળતા ઓવરડ્રાફ્ટની લિમિટ શું રહેશે એ બેંક અથવા NBFC નક્કી કરે છે.
આ રીતે અરજી કરો
બેંક તેના કેટલાક ગ્રાહકોને પ્રી-અપ્રૂવ્ડ ઓવરડ્રાફટ ફેસિલિટી આપે છે. જ્યારે કેટલાક ગ્રાહકોને આ માટે અલગ મંજૂરી લેવી પડે છે. આ માટે લેખિતમાં અથવા ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા અરજી કરવાની હોય છે. કેટલીક બેંકો આ સુવિધા માટે પ્રોસેસિંગ ફી પણ લે છે. ઓવરડ્રાફટ સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ એમ બે પ્રકારના હોય છે. સિક્યોર્ડ ઓવરડ્રાફ્ટ એ છે જેના માટે સિક્યોરિટી તરીકે કંઇક ગીરવે રાખવામાં આવે છે.
તમે FD, શેર્સ, મકાન, પગાર, વીમા પોલિસી, બોન્ડ વગેરે જેવી વસ્તુઓ પર ઓવરડ્રાફટ મેળવી શકો છો. તેને સરળ ભાષામાં FD અથવા શેર પર લોન લેવાનું પણ કહેવામાં આવે છે. આમ કરવાથી એક રીતે આ વસ્તુઓ બેંક અથવા NBFC પાસે ગીરવે મૂકવામાં આવે છે. જો તમારી પાસે સુરક્ષા તરીકે આપવા માટે કંઈ નથી તો પણ તમે ઓવરડ્રાફટ ફેસિલિટી લઈ શકો છો. આને અનસિક્યોર્ડ ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ક્રેડિટ કાર્ડથી વિથડ્રોઅલ.
આ ફાયદો થાય છે
જ્યારે તમે લોન લો ત્યારે તેને ચુકવવા માટે એક નિશ્ચિત અવધિ હોય છે. જો મુદત પહેલાં લોન ચુકવવામાં આવે તો તે માટે પ્રિપેમેન્ટ ચાર્જ ચૂકવવો પડે છે પરંતુ ઓવરડ્રાફટ સાથે આવું નથી. તમે કોઈપણ ચાર્જ ચૂકવ્યા વિના નિયત અવધિ પહેલાં પૈસા ચૂકવી શકો છો. આ સાથે તેની પર વ્યાજ પણ માત્ર એટલા જ સમયનું આપવાનું હોય છે જેટલો સમય ઓવરડ્રાફટની રકમ તમારી પાસે રહે છે. આ ઉપરાંત, તમારે EMIમાં પૈસા ચૂકવવાની પણ ફરજ નથી. તમે નક્કી કરેલા સમયગાળાની અંદર કોઈપણ સમયે પૈસા ચૂકવી શકો છો.
આટલું ધ્યાન રાખો
જો તમે ઓવરડ્રાફટ ચૂકવવા અસમર્થ છો તો તમારા દ્વારા ગીરવી રાખવામાં આવેલી વસ્તુઓથી ચૂકવણી થશે. પરંતુ જો ઓવરડ્રાફ્ટેડ અમાઉન્ટ ગીરવી મૂકેલી વસ્તુઓની કિંમત કરતા વધારે હોય તો તમારે બાકીના પૈસા ચૂકવવા પડશે.