Chaitar Vasava Remand Bail Rejected: સોમવારે સેશન્સ કોર્ટમાં કરવામાં આવશે જામીન માટે અપીલ
Chaitar Vasava Remand Bail Rejected: દેડીયાપાડા લાફા કાંડ કેસમાં ધરપકડ થયેલા AAP ધારાસભ્ય ચૈતર વસાવાને આજે રાજપીપળાની અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ચૈતર વસાવાના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પણ કોર્ટે આ અરજી સાથે સાથે જામીન અરજી પણ નામંજૂર કરી દીધી. હાલ ચૈતર વસાવા જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને હવે તેઓ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં જામીન માટે અપીલ કરશે.
કોર્ટ બહાર AAP કાર્યકરો અને પોલીસ સામસામે
અદાલતની કાર્યવાહી અગાઉ કોર્ટની બહાર તણાવપૂર્ણ દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસ દ્વારા AAP નેતા ગોપાલ ઇટાલિયા અને અન્ય કાર્યકરોને કોર્ટમાં પ્રવેશથી રોકવામાં આવ્યા, જેના કારણે કાર્યકરો અને પોલીસે ઘર્ષણનું માહોલ સર્જાયો. ગોપાલ ઇટાલિયાએ આ ઘટનાને લઈને પોલીસની તીવ્ર નિંદા કરતાં કહ્યું કે, “કોર્ટ જાહેર જગ્યા છે, કોઈ પણ નાગરિકને અંદર જવાનો અધિકાર છે.”
ગોપાલ ઇટાલિયાની તીખી ટિપ્પણી: “આ કેવી લોકશાહી?”
પોલીસની કાર્યવાહી સામે રોષ વ્યક્ત કરતાં ગોપાલ ઇટાલિયાએ પોલીસને સીધા સવાલો કર્યા:
“અદાલતમાં જવા માટે ક્યારેક પૂછવું પડે છે?”
“શું પોલીસ કાયદાનું પાલન કરે છે કે રાજકીય આદેશનું?”
તેમણે આરોપ મૂક્યો કે પોલીસે “ત્યાં ગેટ બંધ કરીને જેમ કે આતંકવાદી હોય એમ અંદર નહીં જાય એવી સ્થિતિ ઉભી કરી દીધી.”
દેડીયાપાડાની ATVT બેઠકમાં શરૂ થયેલો વિવાદ પોલીસ કેસમાં બદલાયો
ઘટનાની મૂળ વાત કરીએ તો, દેડીયાપાડા તાલુકાની ATVT બેઠક દરમિયાન ચૈતર વસાવા અને ભાજપનાં સ્થાનિક નેતા સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદે મારામારી સુધીની સ્થિતિ ઉભી થઈ હતી. બાદમાં FIR નોંધાતા ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. ઘટનાની રાજકીય અસરોથી હવે મામલો કાયદાકીય લડાઈ તરફ વળ્યો છે.
સોમવારે સેશન્સ કોર્ટમાં કરવામાં આવશે જામીન અરજી
રાજપીપળા કોર્ટના નિર્ણય બાદ હવે ચૈતર વસાવાની તરફથી જામીન માટે આગામી કાર્યવાહી ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં કરવામાં આવશે. જુલાઈ 7ના રોજ વકીલો દ્વારા નવી અરજી દાખલ થશે અને એની સુનાવણીની રાહ જોવાઈ રહી છે.