લ્યુઇસિયાના: અમેરિકામાં સેન્ટ્રલ લ્યુઇસિયાના રાજ્યનો રહેવાસી તેના નાના ભાઈને રોજ ફની કપડાં પહેરીને મળે છે. રોજ બપોરે જ્યારે મેક્સ તેની સ્કૂલ બસમાંથી ઉતરે છે ત્યારે તેનો મોટો ભાઈ નોહ ડિફરન્ટ ફની કૉસ્ટ્યૂમ પહેરીને તેનું સ્વાગત કરે છે. આ બંનેની ચર્ચા માત્ર સ્થાનિક લોકો જ નહીં પણ સોશિયલ મીડિયા યુઝર્સ પણ કરે છે. નોહે ફેસબુક પર ધ બસ બ્રધર્સ નામનું અકાઉન્ટ બનાવ્યું છે, જેમાં તે ફોટા અને વીડિયો શેર કરતો રહે છે.
આઈડિયા
મોટાભાઈને રોજ નવા કપડાંમાં જોઈને મેક્સને પહેલાં નવાઈ લાગી હતી, પણ પછી તેને મજા આવવા લાગી. નોહે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, આ વર્ષ મારી હાઈસ્કૂલનું છેલ્લું વર્ષ છે. ત્યારબાદ હું કોલેજ કરવા જતો રહીશ. અત્યારે મારા જોડે સમય છે કે મેક્સ સ્કૂલથી છૂટીને આવે ત્યારે હું તેને લેવા જઈ શકું. એ સ્કૂલ બસમાંથી ઉતરે ત્યારે મારે તેની રોજ સરપ્રાઈઝ આપવી હતી આથી મને આવો આઈડિયા આવ્યો. મેક્સ ઘણો ખુશ છે.
વધુમાં નોહે કહ્યું કે, મેં મેક્સને લેવા માટે રીંછ, બેટમેન, ફૂટબોલર, સાંતા ક્લોઝ અને જોકરના કપડાં પહેર્યા હતા. હું અને મારી માતા મેક્સની સ્કૂલ લાઇફનો દરેક દિવસ યાદગાર બનાવવા માગીએ છીએ. મારો કૉસ્ટ્યૂમ જોઇને મેક્સના બસનો ડ્રાઇવર પણ ખુશ થઈ જાય છે. હું અને મેક્સ ચર્ચથી લઈને વાળ કપાવવા પણ સાથે જઈએ છીએ. તે મારો નાનોભાઈ ઓછો અને મિત્ર વધારે છે.