મુંબઈઃ પ્રિયંકા ચોપરાની ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’નું ટ્રેલર ચાહકોને ઘણું જ પસંદ આવ્યું છે. ફિલ્મમાં પ્રિયંકા ઉપરાંત ફરહાન અખ્તર, ઝાયરા વસીમ તથા રોહિત શરફ લીડ રોલમાં છે. હાલમાં જ શોનાલી બોઝે ખુલાસો કર્યો હતો કે ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રિયંકા ઘણી જ ઈમોશનલ થઈ ગઈ હતી.
શું કહ્યું શોનાલીએ?
શોનાલીએ કહ્યું હતું, ‘એક ઈમોશનલ સીન હતો, જ્યાં એક સીન બાદ પ્રિયંકાએ રડવાનું હતું. મારા કટ કહ્યાં બાદ પણ પ્રિયંકા રડતી રહી હતી. તેણે રડતાં રડતાં મને કહ્યું હતું કે મને માફ કરી દો, હવે મને ખબર પડી કે બાળકને ગુમાવવાનું દર્દ શું હોય છે. હું ઈશલુ માટે સોરી ફિલ કરું છું.’ ઉલ્લેખનીય છે કે શોનાલી બોઝના દીકરાનું નામ ઈશાન હતું. ‘ધ સ્કાય ઈઝ પિંક’માં રોહિતે ઈશાનનો રોલ પ્લે કર્યો છે અને ટ્રેલરમાં પ્રિયંકા, ઈશાનને ઈશલુ કહેતી જોવા મળી હતી.
વધુમાં શોનાલીએ કહ્યું હતું કે તેણે પોતાનું બાળક ગુમાવ્યું છે અને તે બે પેરેન્ટ્સ તથા તેમના દુઃખ અંગે સહજતાથી લખી શકે છે. તેને આયશા ચૌધરીની વાત ઘણી જ પ્રેરણાદાયક લાગી હતી.
ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પ્રિયંકા ભાવુક થઈ હતી
પ્રિયંકાની આ ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. 13 સપ્ટેમ્બરના રોજ આ ફિલ્મનું પ્રીમિયર ટોરન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં યોજાયું હતું. આ સમય દરમિયાન પ્રિયંકા ચોપરા ઘણી જ ભાવુક થઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ફિલ્મ જોઈને દર્શકો ઘણાં જ ઈમોશનલ થયા હતાં. ફિલ્મને સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું.
આમિર ખાને પ્રિયંકાની ફિલ્મના ટ્રેલરના વખાણ કર્યાં છે.
આમિરે ટ્વિટર પર ટ્વીટ કરી હતી, ‘મને આ ફિલ્મનું ટ્રેલર ઘણું જ પસંદ આવ્યું. ફિલ્મ જોવા માટે ઉત્સુક છું. લાગે છે કે શોનાલીએ ફરી એકવાર શાનદાર ફિલ્મ બનાવી છે. મને વિશ્વાસ છે કે ફિલ્મમાં પ્રિયંકા, ફરહાન તથા ઝાયરા પોતાના અભિનયથી આપણને આશ્ચર્યમાં મૂકી દેશે. સિદ્ધાર્થને પોતાની પહેલી વ્યક્તિગત ફિલ્મ માટે શુભેચ્છા.’