Swimming Kharai Camels of Kutch: એશિયાની એકમાત્ર પાણીમાં તરતી ઊંટ પ્રજાતિનો જીવંત ચમત્કાર
Swimming Kharai Camels of Kutch: ગુજરાતના દરિયાકાંઠે એક અદ્ભુત ઘટના સામે આવી છે, જ્યાં ખારાઈ ઊંટોની એશિયામાં અનન્ય પ્રજાતિને પોતાની કુદરતી ક્ષમતાથી દરિયામાં માઈલોનાં અંતર સુધી તરતી જોઈ દરેકના ધ્યાન ખેચી લીધા… કચ્છના તટ પરથી તરતા આવેલા દસ ઊંટો દ્વારકાના દરિયાઈ વિસ્તારમાં પહોંચતા સ્થાનિક તંત્ર અને રેસ્ક્યૂ ટીમ પણ આશ્ચર્યચકિત રહી ગઈ.
કંડલા દરિયાકાંઠેથી દિનદયાળ પોર્ટ સુધી ઊંટ તણાયા, દ્વારકા પોર્ટ પર થયો રેસ્ક્યૂ
ઘટનાના વિગતો અનુસાર, જામનગર જિલ્લાના ખંભાળીયા તાલુકાના સીંગચ ગામના માલધારીઓ પોતાના ખારાઈ ઊંટોને ખવડાવવા કંડલા નજીકના દરિયાઈ વિસ્તારમાં લઈ ગયા હતા. તેટલામાં ભારે વરસાદ અને દરિયાઈ પ્રવાહે 10 ઊંટોને લપેટમાં લીધા. તે ઊંટો દિનદયાળ પોર્ટ પાસેથી તરતા-તરતા દ્વારકાના વાડીનાર પોર્ટ સુધી પહોંચી ગયા, જ્યાં પોલીસે તેમનું સફળ રીતે રેસ્ક્યૂ કર્યું…
એશિયામાં એકમાત્ર પાણીમાં તરતી ઊંટ પ્રજાતિ: ખારાઈ ઊંટ
ખારાઈ ઊંટની ખાસિયત એવી છે કે, તે દરિયાના ખાડી વિસ્તારમાં તથા છીછરાં પાણીમાં તરવા માટે કુદરતી રીતે ક્ષમતા ધરાવે છે. આ પ્રજાતિ મુખ્યત્વે કચ્છ અને ખંભાતના અખાત વિસ્તારમાં જોવા મળે છે. દરિયામાં ઉગતી ચેર જેવી વનસ્પતિ એ ઊંટનો મુખ્ય ખોરાક છે. પોતાના ખોરાક માટે દરિયામાં ઊંડે જવા અને તરવા જેવી ક્રિયા તેમાં સહજરૂપે જોવા મળે છે.
2016માં ખારાઈ ઊંટને મળી હતી રાષ્ટ્રીય ઓળખ
ખારાઈ ઊંટને વર્ષ 2016માં ભારત સરકારે રાષ્ટ્રીય માન્યતા આપી હતી. આ પ્રજાતિ માત્ર ગુજરાતના કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના ચિરઈથી લઈને સુરજબારી સુધીના વિસ્તારોમાં જોવા મળે છે.
‘આ ઘટના ખરેખર અદભુત છે’: માલધારી સંગઠનનું નિવેદન
ભચાઉ તાલુકાના જંગી ગામના માલધારી નેતા ભીખાભાઈ રબારીએ જણાવ્યું કે, “ખારાઈ ઊંટ સામાન્ય રીતે દરિયાની ખાડીમાં ઓછી ઊંડાઈના પાણીમાં તરતા જોવા મળે છે. પરંતુ કચ્છથી દ્વારકા સુધી તરવાનું તેમનું આ કાર્ય અસામાન્ય ગણાય.”
કેમ કહેવાય છે ‘ખારાઈ’ ઊંટ?
ખારાઈ ઊંટને તેનાથી મળતા ખોરાકના કારણે આ નામ મળ્યું છે.
ચેર, લાણો, પીલુડી જેવી ક્ષારયુક્ત વનસ્પતિ તેના મુખ્ય આહાર છે.
આ ઊંટો સંપૂર્ણ રીતે દરિયાકાંઠાની વાતાવરણને અનુરૂપ છે.
પાણીમાં તરવાની કુશળતા તેનામાં જન્મજાત હોય છે, જે તેને અન્ય ઊંટથી અલગ બનાવે છે.