Morbi Politics: મોરબીના રસ્તાઓથી ઉઠી રાજકીય ભૂકંપની લહેર
Morbi Politics : મોરબી શહેરમાં રસ્તાઓની બિસ્માર હાલત, ઠેર-ઠેર ખાડાઓ અને પાણીના નિકાલની અણધારી સમસ્યાઓને લઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. જનઆંદોલનના સ્વરૂપે થયો ચક્કાજામ હવે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગંભીર રાજકીય લડાઈમાં ફેરવાઈ ગયો છે.
જન આંદોલનને મળ્યો રાજકીય રંગ
પંચાસર ચોકડી પર લોકોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો અને ખુલ્લેઆમ ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના વિરોધમાં નારા લગાવ્યા. ચિત્રકૂટ સોસાયટીના રહીશો સહિત અનેક લોકો સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે અને “મોરબીમાં વિસાવદર વાળી” કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.
ભાજપના ધારાસભ્યનો ખુલ્લો પડકાર
દબાણ વચ્ચે, મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ મીડિયા સામે ખુલ્લો પડકાર ફેંક્યો કે જો આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયામાં હિંમત હોય, તો મોરબીમાંથી ચૂંટણી લડી બતાવે. તેઓએ કહ્યું કે જો હું હારી જાઉં તો બે કરોડ રૂપિયા આપશું.
ગોપાલ ઈટાલિયાની જવાબી ચેલેન્જ
આ પડકારને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ તરત સ્વીકારી લીધો. પોતાના વિડિયોમાં તેમણે કહ્યું કે, “હું તમારી ચેલેન્જ સ્વીકારું છું, પણ મારી એક શરત છે—12 તારીખે બપોરે 12 વાગ્યા પહેલા તમે ધારાસભ્ય પદેથી રાજીનામું આપો.” તેમણે મોરબીની જનતાની જાગૃતતાને વખાણી અને કહ્યું કે હવે મૌન નહિ રાખે.
શું થશે આગળ?
આ પડકાર-પ્રતિપડકારની રાજનીતિ વચ્ચે મોરબીમાં ઉત્સુકતાનો માહોલ છે. શું કાંતિભાઈ 12મી તારીખે રાજીનામું આપશે? શું ચૂંટણી પહેલાં જ રાજકીય હલચલ ગતિશીલ થશે? હવે આખા રાજ્યનું ધ્યાન ખેંચી રહી છે.