Gujarat Rain Forecast: આગામી દિવસોમાં વરસાદનો મિજાજ કેવો રહેશે?
Gujarat Rain Forecast: હવામાન વિભાગે જાહેર કરેલા તાજેતરના વેધર અપડેટ પ્રમાણે, સમગ્ર ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યમાં શુક્રવારથી મોસમ ફરી એકવાર સક્રિય થતી જોવા મળશે. ખાસ કરીને દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં તેજ વરસાદ સાથે ગાજવીજની શક્યતા દર્શાવવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત અને દમણ-દાદરામાં વિશેષ ચેતવણી
11મી અને 12મી જુલાઈએ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ઘનઘોર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે.
રવિવારથી વધશે તીવ્રતા: આ વિસ્તારોમાં છે ભારે વરસાદની શક્યતા
13મી જુલાઈ, રવિવારથી વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાનો અંદાજ છે.
યેલો એલર્ટ: ક્યાં કયા જિલ્લામાં કઈ તારીખે ભારે વરસાદની આગાહી છે?
14મી જુલાઈ: બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ
15મી જુલાઈ: ઉપરના વિસ્તારોમાં યેલો એલર્ટ યથાવત્ રહેશે
16-17મી જુલાઈ: બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં યેલો એલર્ટ ચાલુ રહેશે
જળસંગ્રહની સ્થિતિ: સરદાર સરોવર સહિત રાજ્યના જળાશયોમાં કેટલી ટકા ક્ષમતા ભરાઈ?
રાજ્યના 207 જળાશયોમાં કુલ સંભવિત ક્ષમતા પૈકી 54% પાણીનો જથ્થો ભરાઈ ચૂક્યો છે. તેમાં સરદાર સરોવર યોજના 49.42% જળસંગ્રહ સાથે અગ્રેસર છે. જો ગુજરાતના 17 જળાશયની વાત કરીએ તો 62.83%, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 62.37%, કચ્છમાં 56.07%, દક્ષિણ ગુજરાતમાં 55.69% અને ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 46.79% જળસંગ્રહ નોંધાયો છે.
આગામી દિવસોમાં ચોમાસાની ગતિવિધી રાજ્યભરમાં વધુ સક્રિય રહેશે. ખેડૂતો અને નગરવાસીઓએ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું અનિવાર્ય છે. નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ વિશેષ સતર્કતા રાખવી જરૂરી છે.