તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ‘મોટર વ્હિકલ એક્ટ 2019’ સંસદમાં પાસ કર્યા બાદ તારીખ 1 સપ્ટેમ્બરથી તેની અનેક જોગવાઈઓ લાગુ થઈ ચૂકી છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ લોકોને ફટકારાતા દંડમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે ત્યારે લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. પરંતુ દુઃખદ આશ્ચર્ય સાથે એવું કહેવું યોગ્ય રહેશે કે આ અન્યાયી કાયદા સામે સમગ્ર દેશના અવાજને વાચા આપી શકે એવો એક પણ રાજકીય પક્ષ આપણી રહ્યો નથી.
કહેવાય છે કે તંદુરસ્ત લોકશાહી માટે સબળ શાસકની સાથે-સાથે સશક્ત વિપક્ષ પણ એટલો જ જરૂરી છે. શાસકોના દરેક નિર્ણય સમયે લોકોની જરૂરિયાત મુજબ તેમાં સુધારા કરાવવાની તેમજ ખોટા નિર્ણયો વિરુદ્ધ અવાજ ઉઠાવવાની દરેક વિપક્ષની મુખ્ય ફરજ હોય છે પણ હાલમાં ભારતમાં તો મુખ્ય વિરોધપક્ષ મૃત:પ્રાય અવસ્થામાં જીવી રહ્યો છે.
દેશનો સૌથી જૂનો રાજકીય પક્ષ કોંગ્રેસ અત્યારે મરણપથારીએ છે તેના પ્રમુખપદ માટેની ઘર-ઘુપલાની રમત પુરી થતાં જ મોટાભાગના પરિવાર ભક્તો અત્યારે ભૂગર્ભમાં છે અને દિગ્વિજય સિંહ જેવા અમુક નેતાઓ અક્કલ વિનાનો બફાટ કરી રહ્યા છે. કોંગ્રેસને ફરી બેઠા થવા માટે લોકોના ટેકાની અત્યારે તાતી જરુરિયાત છે ત્યારે સરકારના ટ્રાફિક નિયમોના દંડના આ તઘલખી નિર્ણયની વિરુદ્ધ કોંગ્રેસ જનઆંદોલન ઉભું કરી પોતાને બેઠી કરવાનો પ્રયાસ કરી શકે તેમ છે કિન્તુ સર્જીકલ સ્ટ્રાઈક અને કલમ-370 હટાવવાનો વિરોધ કરવા તલપાપડ ઘણા કોંગ્રેસી ‘અધીરા જનો’ અત્યારે પોતાના હોઠ સીવીને બેઠા છે. કમલનાથ અને અશોક ગેહલોત જેવા નેતાઓ પોતાના રાજ્યો પૂરતા નિયમો લાગુ ન કરીને બેસી ગયા છે ત્યારે રાહુલ તેમજ સોનિયા ગાંધી પણ ચુપ છે.
100 કરોડથી વધુ વસ્તીને અસરકારક ફાસીવાદી નિર્ણયોને દેશની ચોખટ પર પડકારી શકે એવો એક પણ રાજકીય પક્ષ ન હોય ત્યારે તે પ્રજાનું એનાથી વધારે બીજું શું કમભાગ્ય હોય શકે??