એર ઇન્ડિયા તેના ક્રૂ મેમ્બર્સની ફિટનેસ પર ધ્યાન આપી રહી છે. એરલાઇન્સ દ્વારા તેની એરહોસ્ટેસ અને કેબિન ક્રૂ સભ્યો માટે ભોજનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ તેની એરહોસ્ટેસ અને કેબિન ક્રૂને આપવામાં આવતા ફૂડ માટેના મેનૂમાં ઘણા ફેરફાર કર્યા છે.
આ નવા મેનુમાં એર ઈન્ડિયાના સ્ટાફને ડાયટ મીલ મળે તે વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. મેનુમાં દરરોજના નાસ્તા, લંચ અને ડિનર માટેના ભોજનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ઉપમા, ઈડલી સાંબર, મુંગ દાલ ચીલ્લા, ઓમેલેટ, સૂપ, કબાબ, ભાત, ટીંડા મસાલા, ચિકન ટીક્કા, અને મસૂરની દાળનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ફ્લાઈટના ક્રૂ માટે તૈયાર કરાયેલા આ નવા મેનૂ અનુસાર ભોજન વ્યવસ્થા દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈટમાં સૌ પ્રથમ શરૂ કરવામાં આવી હતી. આ મેનૂમાં ભારતીય ભોજનનો ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ વાત છે કે યાત્રા દરમિયાન જે ભોજન ક્રૂના સભ્યોને આપવામાં આવશે તેમાં સ્વાદ સાથે પૌષ્ટિક આહાર મળે તે વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ફેરફાર હાલ તો દિલ્હી, મુંબઈની ફ્લાઈટમાં લાગૂ કરાયા છે પરંતુ ટુંક સમયમાં જ આંતરરાષ્ટ્રિય સહિત દરેક ફ્લાઈટમાં તેનો અમલ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સરકારએ એર ઈંડિયાને પ્રાઈવેટ કંપનીને સોંપવાની તૈયારી પણ કરી છે. જેથી તેને નુકસાનમાંથી બહાર લાવી શકાય. તાજેતરમાં જ નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ કહ્યું હતું કે તે સરકાર એરલાયન્સ બિઝનેસ ચલાવવા ઈચ્છતી નથી. તેમનું કહેવું છે કે એર ઈંડિયાનું ખાનગીકરણ થશે. એર ઈંડિયાને વર્ષ 2018થી 2019 દરમિયાન 4,600 કરોડનું ઓપરેટિંગ નુકસાન થયું છે.