ગ્રાહકો કે લોન ધારકોને ફાયદો થાય તેવી યોજના કે નિર્ણયો લેવામાં બેન્કો હંમેશા ઉદાસીન છે તે વાત આજે ફરી સાબિત થઇ ગઇ. દેશની સરકારી માલિકીની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) રેપોરેટ સાથે લિંક હોમ લોન પ્રોડક્ટ પરત ખેંચી લીધી છે. બેન્કે આ પ્રોડક્ટ 1લી જુલાઇ 2019ના રોજ લોન્ચ કરી હતી. ટ્વિટર ઉપર યુઝર્સની મૂંઝવણનો જવાબ આપતા બેન્કે ટ્વિટ કર્યું કે, તેણે રેપો રેટ આધારિત હોમ લોન સ્કીમને પરત ખેંચી લીધી છે. મતલબ કે આ સ્કીમ બંધ કરી દેવામાં આવી છે.
SBI એ એવા સમયે રેપો રેટ લિંક્ડ હોમ લોન સ્કીમ બંધ કરી છે જ્યારે RBIએ તમામ બેન્કોને નવા ફ્લોરિંગ રેટ હોમ લોન, ઓટો લોનને 1લી ઓક્ટોબરથી એક્સટર્નલ બેન્ચમાર્કથી લિંક કરવાનો આદેશ કર્યો છે. એક રિપોર્ટ મુજબ બેન્ક એ એક સપ્તાહ પહેલાં જ રેપો રેટ લિંક્ડ લોન સ્કીમ પોતાની વેબસાઇટ પરથી હટાવી દીધી હતી. હવે બેન્ક માત્ર માર્જિનલ કોસ્ટ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR) મુજબ જ લોન આપશે.
નોંધનિય છે કે SBI એ સૌથી પહેલાં રેપો રેટ લિંક્ડ હોમ લોન પ્રોડક્ટની રજૂઆત કરી હતી. ત્યારબાદ અન્ય બેન્કો એ પણ આ પ્રકારની લોન પ્રોડક્ટ લોન્ચ કરી. રેપો રેટ લિંક્ડ લેન્ડિંગ રેટ ઉપર આધારિત હોમ લોન સ્કીમ એ નવી લોન પ્રોડક્ટ છે. તેનો અર્થ એ કે જો મધ્યસ્થ બેન્ક રેપો રેટ ઘટાડે છે તો હોમ લોન ગ્રાહકોએ તે મુજબ વ્યાજ ચૂકવવો પડશે. આ પાછળનો ઉદ્દેશ્ય ગ્રાહકો અને લોન ધારકોને રેપો રેટમાં ઘટાડાનો લાભ જલ્દીથી જલ્દી આપવાનો હતો.
ચાલુ વર્ષે જુલાઇમાં SBI એ પોતાની નવી હોમ લોન માટે રેપો રેટ લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR)ની જાહેરાત કરી હતી. જેનો ફાયદો માત્ર નવા ગ્રાહકોને જ આપવાનો હતો. મતલબ કે RBI જો રેપોરેટ ઘટાડે તો નવા હોમ લોન ધારકોને ઓછું વ્યાજ ચૂકવવું પડશે. SBIના ચેરમેન રજનીશ કુમારે કહ્યું કે તેઓ હાલ તેની શક્યતાઓ ચકાશી રહ્યા છે કે જૂના લોન ધારકોને પણ તેનો ફાયદો કેવી રીતે આપી શકાય.
SBI એ વર્ષ 2014માં MCLR આધારિત વ્યાજદર શરૂ કર્યા તો અન્ય બેન્કોએ પણ તેનું અનુકરણ કર્યું હતું. SBIનો રેપો લિંક્ડ લેન્કિંડ રેટ 2.25 ટકાથી ઉપર રહે છે. હાલ રેપો રેટ 5.40 ટકા છે તો SBIનો RLLR 7.65 ટકા છે. તે ઉપરાંત RLLRની ઉપર 0.40 ટકા અને 0.55 ટકાનો સ્પ્રેડ હોય છે. આ હિસાબે નવા હોમ લોનધારકો વાર્ષિક 8.05 ટકાથી 8.20 ટકાના વ્યાજે હોમ લોન મેળવી શકે છે.