પાલનપુર ખાતે હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી એક મુસ્લિમ પરિણિતાના પતિએ અન્ય યુવતી સાથે આડા સબંધો રાખ્યા હતા. જેમાં તેણીને પુત્રનો જન્મ થયો હતો. આ અંગે પરિણિતા કહેવા જતાં આ શખ્સે ત્રણ વખત તલ્લાક બોલી પત્નિને છુટાછેડા આપી દીધા હતા. આ અંગે પરણિતાએ પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પાલનપુરમાં સૌ પ્રથમ પોલીસે ધ મુસ્લિમ વુમન પ્રોટેકશન ઓફ રાઇટ ઓન મેરેજનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મુળ વડગામ તાલુકાના જુની નગરી ગામના અને હાલ પાલનપુર હનુમાન ટેકરી ખાતે જલારામ પાર્કમાં રહેતા સહેનાજબાનુ પરબતખાન બિહારીના લગ્ન પાલનપુર તાલુકાના હેબતપુરા ગામે સરફરાજખાન મહમદખાન બિહારી સાથે થયા હતા. જોકે, સરફરાજખાનને દિપિકા રાઠોડ સાથે આડા સબંધો હતા. જેની સહેનાજબાનુને જાણ થતાં આ બાબતે કહેવા જતાં પતિએ કોઇ વાત ધ્યાને લીધી ન હતી.
દરમિયાન આડા સબંધમાં દિપિકા રાઠોડને પુત્ર અવતર્યો હતો. આ અંગે કહેવા જતાં સરફરાજ ખાને ત્રણ વખત તલ્લાક બોલી સહેનાજબાનુને છુટાછેડા આપી શારિરીક – માનસિક ત્રાસ આપ્યો હતો. આ અંગે સહેનાજબાનુએ પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગૂનો નોંધી તપાસ હાથ ધરી છે.